ગાંધીનગર : શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને 'નેશનલ સ્ટાર્ટઅપ ડે'નો રાજ્યવ્યાપી શુભારંભ
Live TV
-
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી- SSIP 2.0 અંતર્ગત 'નેશનલ સ્ટાર્ટઅપ ડે'ની રાજ્યવ્યાપી ઉજવણી શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા કરવામાં આવી હતી.
‘નેશનલ સ્ટાર્ટઅપ ડે- 2025નો દિવસ નવીન વિચારો, આઈડિયા અને સંકલ્પો સાથે દેશને ગ્લોબલ ઇનોવેશન હબ બનાવવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. રાજ્યમાં શરૂ કરવામાં આવેલ SSIP 1.0માં માત્ર સાયન્સ અને ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકતા હતા, પરંતુ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીને વેગ આપતી SSIP 2.0 અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના વિદ્યાર્થીઓ તથા સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ દરેક ક્ષેત્રના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે, તેમ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી-SSIP ૨.૦ અંતર્ગત વિધાર્થીઓને આપવામાં આવતી સહાય એ માત્ર આર્થિક સહાય નથી, પરંતુ તેમના સપનાઓને ઉડાન આપવાનો એક પ્રયાસ છે.. વર્ષ 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરીને ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ ભારતમાં નવોદિત અને નૂતન વિચારોથી ભરપુર વિધાર્થીઓ થકી વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન દ્વારા વિદ્યાર્થીઓ માત્ર પોતાની માટે નહીં, પરંતુ આપણે સૌ માટેના નવીન ભારતના નિર્માતા છે. નિષ્ફળતા ભયજનક નથી પરંતુ તે શીખવા માટેની એક તક છે. તેવી જ રીતે મંત્રીએ વિદ્યાર્થીઓના માર્ગદર્શક એવા શિક્ષકોના યોગદાનને બિરદાવ્યું હતું. શિક્ષકોના દ્રષ્ટિકોણથી જ વિધાર્થીઓને તેમની વિચાર શક્તિને પાંખ મળે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર શીખવતા નથી, પરંતુ તેમને પ્રશ્નોના ઉકેલો શોધવા અને પદ્ધતિશીલ થવા પ્રોત્સાહિત કરે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત- 2047'ના સ્વપ્નને ગુજરાત તમામ ક્ષેત્રે વિકસિત બની સાકાર કરશે. રાજ્યના વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રે વિશ્વસ્તરે પોતાનો યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી SSIP ૨.૦ના મુખ્ય હેતુઓમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન દ્વારા રાજ્યના યુવાધનનું તેમની સર્જનાત્મક ક્ષમતાને વિકસાવવા માટે સશક્તિકરણ કરવું જેથી તેઓ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ માટે યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે ભારતની 65 ટકાથી વધુ વસ્તી ગામડાઓમાં વસે છે. તેમજ બધા જ ગામોમાં ત્યાંની કોઈ લોકલ વસ્તુઓ પ્રખ્યાત હોય છે, એ પ્રખ્યાત વસ્તુઓ માર્કેટમાં વેચવાનો વિચાર આવવો એ જ સાચા અર્થમાં સ્ટાર્ટઅપની શરૂઆત છે, સાથોસાથ રાજ્યની તમામ શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકોએ ભણતરની સાથે સાથે ઉદ્યોગ-સાહસિક થવા માટે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનનો પણ ખ્યાલ આપવો જોઈએ કારણ કે, આજના સમયમાં વિદ્યાર્થી સ્ટાર્ટઅપ દ્વારા સારી આજીવિકા મેળવી શકે છે.
આ પ્રસંગે મંત્રીઓના વરદ હસ્તે સ્ટાર્ટઅપ માટે 110 જેટલા સાહસિક વિદ્યાર્થીઓ પૈકી ૧૦ને પ્રતિકાત્મક રૂપે પ્રતિ વિદ્યાર્થી રૂ. 20,000નો ચેક, ‘ઝીરો ટું વન’ પુસ્તક અને પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ, સ્કૂલ ઓફ કમિશનર હેઠળના PMU દ્વારા વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ અંગે નવા વિચારો રજૂ કરી શકશે. સાથે જ, તેમના વિચારોનું રાજ્યકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવશે.