Skip to main content
Settings Settings for Dark

ગિરનાર લીલી પરિક્રમામાં વરસાદનું વિઘ્ન

Live TV

X
  • સાધુ-સંતો સાથે માત્ર પ્રતીકાત્મક યાત્રા; કમોસમી વરસાદથી 36 કિલોમીટરના રૂટ પર કાદવ-કીચડના કારણે નિર્ણય

    હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની આસ્થા સમા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે મોકૂફ કરવાનો વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે. સતત વરસેલા વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો છે, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા તેમજ સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

    ​આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સાધુ-સંતો અને ઉપસ્થિત સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં લેવાયો હતો. જોકે, ધાર્મિક મુહૂર્ત જાળવવા માટે માત્ર સાધુ-સંતો અને મર્યાદિત સંખ્યામાં ભાવિકો સાથે પ્રતીકાત્મક પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 1લીના રાત્રિના મુહૂર્તમાં યોજાશે.

    ઇન્દ્રભારતી બાપુનો ભાવિકોને ખાસ સંદેશ: 'ઘરે જ પરિક્રમા કરો'
    ​આ નિર્ણયની ઘોષણા કરતા ઇન્દ્રભારતી બાપુએ ખાસ કરીને પરિક્રમાથીઓને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું, જેમાં વાહનો પણ કાદવમાં ફસાઈ જાય તેવી ગંભીર સ્થિતિ જોવા મળી છે. ​ગિરનાર પરિક્રમા રૂટની હાલની પરિસ્થિતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તેમ જ પરિક્રમા રૂટમાં થયેલા કાદવ-કીચડના કારણે ભાવિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઈ, દર વર્ષે પરિક્રમામાં આવતા ભાવિકોને ખાસ અપીલ છે કે આ વર્ષે પરિક્રમામાં ન આવે.

    ​પરિક્રમા રૂટ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય
    જે રૂટ પર પરિક્રમા યોજાય છે તે 36 કિમીના રોડ પર કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને રોડ તૂટેલી હાલતમાં છે. જેના કારણે ભારે વાહનોને જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેના કારણે આ વર્ષે તંત્ર દ્વારા પરિક્રમા ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો બોરદેવી જતાં રસ્તા સુધી પણ વાહનોનું પસાર થવું અશક્ય બન્યું છે. રસ્તાઓ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય એટલું વ્યાપક છે કે પગપાળા ચાલવું પણ અત્યંત મુશ્કેલ છે. ​લાખો ભાવિકો પોતાના પરિવાર, બાળકો અને વૃદ્ધો સાથે આ 36 કિમીની કઠિન યાત્રા કરતા હોય છે, પરંતુ રૂટની આ હાલત જોતા તેમની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિ હતી.

    જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતાં રાત્રિ રોકાણ કરનારાને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે
    ભારે વરસાદના કારણે ઊભી થયેલી અન્ય મુશ્કેલીઓની વાત કરીએ તો જંગલ સંપૂર્ણપણે ભીનું થઈ જતાં રાત્રિ રોકાણ કરનારા ભાવિકોને ઠંડી, ભીનાશ અને અગવડતાનો સામનો કરવો પડે છે. ભીના જંગલમાં ભોજન બનાવવા માટે સૂકા લાકડા મળવા અતિ મુશ્કેલ છે, જેના કારણે અન્નક્ષેત્રોને મુશ્કેલી પડે છે.

    ​અન્નક્ષેત્રો અને વેપારીઓ પર આર્થિક સંકટ
    ​આ નિર્ણયથી જૂનાગઢ શહેરના અર્થતંત્રને મોટો ફટકો પડશે. શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમા જૂનાગઢ માટે કરોડો રૂપિયાનું આર્થિક બૂસ્ટર સમાન છે. પરિક્રમા રદ થવાથી સ્થાનિક વેપારીઓ અને ગુજરાત બહારથી 'પેટીયું' રળવા આવતા લોકોને મોટું નુકસાન થશે.

    દાણાપીઠના વેપારીઓએ હજારો કિલો અનાજ, દાળો અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક કરી દીધો
    દાણાપીઠના વેપારીઓએ હજારો કિલો અનાજ, દાળો અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક કરી દીધો હતો. પરિક્રમાથી કરોડોનો આર્થિક ફાયદો થતો, પરંતુ આ વર્ષે વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવશે. પરિક્રમામાં વિનામૂલ્યે સેવા આપતા ઉતારા મંડળો અને અન્નક્ષેત્રો દ્વારા લાખો રૂપિયાની ખાદ્ય સામગ્રી ખરીદી લેવામાં આવી છે. જંગલમાં પ્રવેશ ન મળતા તેમનો માલ-સામાન ભવનાથ ક્ષેત્રમાં જ અટવાયેલો છે.

    વહેલી તકે મંજૂરી ન મળતા લાખો ભાવિકોને સુવિધા આપવામાં મુશ્કેલી ઊભી થતી હતી: કિશોર વાડોદરિયા
    ​વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવતા ખોડીયાર રાસ મંડળના કિશોર વાડોદરિયાએ જણાવ્યું હતું કે, વહેલી તકે મંજૂરી ન મળતા લાખો ભાવિકોને સુવિધા આપવામાં મુશ્કેલી ઊભી થતી હતી. હાલ તેઓ ભવનાથ ક્ષેત્રમાં જ ભાવિકોને ભોજન પ્રસાદી પીરસી રહ્યા છે.

    ​આસ્થા અને આધ્યાત્મના માર્ગ પર આ વર્ષે સંકટ
    ગિરનારની લીલી પરિક્રમા માત્ર એક શારીરિક યાત્રા નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક શક્તિનો માર્ગ છે. શ્રદ્ધાળુઓ ગિરનારના પવિત્ર પર્વત પર બિરાજમાન નવનાથ સિદ્ધ, ચોરાસી સિદ્ધ, બાવન વીર અને ચોસઠ જોગણીઓના આશીર્વાદ લેવા માટે 36 કિમીનું કઠિન વ્રત પૂર્ણ કરે છે. એવું માનવામાં આવે છે કે કારતક મહિનામાં જ્યારે જંગલની હરિયાળી ચરમસીમા પર હોય છે, ત્યારે આ પવિત્ર પ્રકૃતિ વચ્ચે પરિક્રમા કરવાથી લાખો ભાવિકો પુણ્યનું ભાથું બાંધે છે અને મોક્ષના દ્વાર ખૂલે છે. તંત્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય લાખો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચાડે તેવો છે, પરંતુ તે તેમની સલામતી અને સુવિધા જાળવવા માટે લેવાયેલો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply