ગુજરાતના 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર
Live TV
-
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53%થી વધુ જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા જળ સંગ્રહ
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ટકા ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64, 362 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં 23,486 ક્યુસેક, ઉકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કડાણામાં 6,674 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક અને હડફમાં 5500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 30 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141માં 50.88 ટકા, કચ્છના 20માં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.29 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
