ગુજરાતની એસટી બસોમાં જીપીએસ ડીવાઈસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા
Live TV
-
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા બદલાતા સમયની સાથે ટેક્નોલોજીની મદદથી મુસાફરોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અને તેમની મુસાફરીને સરળ અને સુલભ બનાવવા માટે હંમેશાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. એવો જ એક નિર્ણય નિગમે તાજેતરમાં અમલમાં મૂક્યો છે, જે મુજબ નિગમની એસટી બસોમાં ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫ સુધી ગુ.રા.મા.વા.વ્ય. નિગમને સંચાલનની રોજીંદી કામગીરી અને અસરકારકતા વધારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેવી કે સમગ્ર ફ્લીટનું ટ્રેકિંગ અને મોનિટરીંગ, શિડ્યૂલના સંચાલનનું નિરીક્ષણ, અવારનવાર અમુક વિસ્તારોમાં બસ ન પહોંચવાની કે બંધ થવાની ફરિયાદો, અનિયંત્રિત ડ્રાઇવિંગ વર્તન, સંચાલનનું સર્વગ્રાહી મૂલ્યાંકન, મુસાફરોને બસ અને રૂટની ઉપલબ્ધતાની વાસ્તવિક સમયની વિગતો ન મળવી વગેરે જેવી મુશ્કેલીઓનું સચોટ નિરાકરણ લાવી શકાતું ન હતું. આવી તમામ અસુવિધાઓના સમાધાન માટે ગુ.રા.મા.વા.વ્ય. નિગમને કોઈ ખૂબ જ અસરકારક ટેક્નોલોજીકલ એડવાન્સ પ્રોજેક્ટ કરવાની જરૂર જણાઈ રહી હતી.
ઉપરોક્ત મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ) પ્રસ્થાપિત કરવામાં આવી. જેના પ્રથમ તબક્કામાં ૨૪૦૦ બસોમાં, બીજા તબક્કામાં ૨૬૦૦ બસોમાં અને ત્રીજા તબક્કામાં બાકી રહેલ અંદાજીત ૩૩૦૦ બસોમાં જીપીએસ ડીવાઈસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રથમ તબક્કામાં ૫૯૧ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અલગ અલગ ૧૦૦ બસ સ્ટેશનો પર ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. ૧૬ ડિવિઝનલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તથા સેન્ટ્રલ ઓફિસમાં ૧ સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવી હતી.
આમ, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમની લાઈવ અને ચોક્કસ વિગતના કારણે મુસાફરોના ભરોસામાં વધારો થયો છે. આ પ્રોજેક્ટની મોબાઈલ એપ્લિકેશન મુસાફરોને તેમના સમય અને સ્થળ પર મુસાફરી, બસ, રૂટ વગેરેને લગતી તમામ વિગત આપે છે. જેથી મુસાફરોને હવે મુસાફરીમાં સરળતા થઇ ગઇ છે.
