ગુજરાતની 14 સરકારી હોસ્પિટલોમાં દર્દીના સગાં-સંબંધીઓ માટે વિશ્રામગૃહ બનાવાશે
Live TV
-
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની 14 સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગાં-સંબંધીઓ માટે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડતા વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સ્વજનોની સારવાર માટે દૂરના ગામો અને શહેરોમાંથી સરકારી જનરલ/સિવિલ હોસ્પિટલ ખાતે આવતા સગાં-સંબંધીઓ માટે રહેવા અને જમવાની સુવિધાઓ ધરાવતા વિશ્રામગૃહ તૈયાર કરાશે.
આ વિશ્રામગૃહો બનાવવા માટે અમદાવાદ સ્થિત સેવાદાન ફાઉન્ડેશનને હોસ્પિટલ પરિસરમાં આવેલી જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીશ્રીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે.પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા રાજ્યની કુલ 14 જેટલી સરકારી સિવિલ અને જનરલ હોસ્પિટલો ખાતે આ રેન બસેરા-વિશ્રામગૃહનું નિર્માણ અને સંચાલન કરવામાં આવશે.
આ નિર્ણયને કારણે લાંબા સમય સુધી હોસ્પિટલોમાં રોકાવવું પડતું હોય તેવા દર્દીઓના સગાં-સંબંધીઓને મોટી રાહત મળશે અને તેમને આવાસ તેમજ ભોજનની પાયાની જરૂરિયાતો માટે ભટકવું નહીં પડે.મુખ્યમંત્રીનો આ નિર્ણય જનસેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સંવેદનશીલ અભિગમને દર્શાવે છે.
