ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, 8 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
Live TV
-
ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે હજુ ચાર દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 22થી 24 મે દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. ચાલો જાણીએ કયા દિવસે ક્યા પડશે કેવો વરસાદ.
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે બુધવારે 21 મેના રોજ રાજ્યમાં 21 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે 22 મેના રોજ ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર અને 23 મેના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
23 મેના રોજ રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, 24 મે સુધી રાજ્યભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.
ગુજરાતમાં આજે મંગળવારે (20 મે, 2025) છેલ્લા 2 કલાકમાં 9 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 2.44 ઈંચ, રાજકોટના ગોંડલમાં 1.18 ઈંચ, અમરેલીના લિલિયામાં 1.10 ઈંચ અને બગસરામાં 1.02 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બોટાદના બરવાલા, અમરેલી, ભાવનગરના ઉમરાળા, અમરેલીના સાવરકુંડલા અને ભાવનગરના ગારિયાધાર તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.