ગુજરાતમાં બે દિવસ હીટવેવની આગાહી, 9 જિલ્લામાં ઑરેન્જ-યલો ઍલર્ટ
Live TV
-
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ગરમીને લઈને હીટવેવની આગાહી કરી છે. જેમાં આવતીકાલે બુધવારે (9 એપ્રિલ, 2025) સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં હીટવેવને લઈને ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 2 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે 9 એપ્રિલના દિવસે કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં હીટવેવને લઈને ઑરેન્જ ઍલર્ટ અને ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જ્યારે 10 એપ્રિલના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે 9-10 એપ્રિલના બે દિવસ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાની આગાહી છે.
રાજ્યમાં આજે મંગળવારે સવારના 8:30 વાગ્યાના સમયે પુરા થતાં 24 કલાક દરમિયાન નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા મુજબ, રાજ્યમાં કંડલા એરપોર્ટમાં સૌથી વધુ 45 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. જ્યારે ભુજ, ગાંધીનગર અને અમદાવાદમાં 42.9 ડિગ્રી, રાજકોટમાં 44.2 ડિગ્રી, ભાવનગરમાં 40.7 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, ડીસામાં 43.2 ડિગ્રી, સુરતમાં 40.4 ડિગ્રી, અમરેલીમાં 43.8 ડિગ્રી, કેશોદમાં 41.8 ડિગ્રી, પોરબંદરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે.