ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 225 તાલુકા જળબંબાકાર
Live TV
-
ગુજરાતમાં મેઘતાંડવ: 24 કલાકમાં 225 તાલુકા જળબંબાકાર, જૂનાગઢના માંગરોળમાં આકાશી આફત જેવો 22 ઇંચ વરસાદ
ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સંપૂર્ણપણે મન મૂકીને વરસી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકાઓમાં વ્યાપક અને ભારે વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો વરસાદી સ્પેલ માનવામાં આવી રહ્યો છે.
માંગરોળમાં 22 ઇંચ સાથે આકાશી આફત!
સોરઠ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ 22.24 ઇંચ વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવાની ફરજ પડી છે.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22. 24 વરસાદ સાથે મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો માળિયા હાટીનામાં 14. 9, વઘઇમાં 13. 43, સુબિરમાં 13. 23 , કેશોદમાં 12.8 અને મેંદરડામાં પોણા તેર ઇંચ અને ડોલવણમાં 11. 65 ઇંચ વરસાદ નોંધાયો છે. તો 8 તાલુકામાં 7 ઇંચથી માંડીને પોણા દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે 23 તાલુકામાં 3 ઇંચથી માંડીને સાડા 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
નદી-નાળા છલકાયા, તંત્ર એલર્ટ પર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સ્થાનિક નદીઓ, ચેકડેમો અને કોઝવે પાણીથી ઉભરાઈ ગયા છે. કનેક્ટિવિટી તૂટવાના કારણે કેટલાય ગ્રામ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરી હોવાથી સંબંધિત જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
