ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Live TV
-
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રહેલા મેઘરાજાનું જોર હવે થોડું ઘટ્યું છે. જોકે, છેલ્લા 12 કલાક દરમિયાન રાજ્યના 93 તાલુકાઓમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ છે.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગઈકાલે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.. જેમાં સૌથી વધુ આણંદના ખંભાતમાં 1.42, વલસાડના કપરાડામાં 1.3, ભરૂચમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 11 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.. આ સાથે રાજ્યમાં સિઝનનો કુલ 69.36 ટકા વરસાદ થયો છે..
ડેમઓની સ્થિતિ અને પાણીનો સંગ્રહ:
રાજ્યમાં 34 ડેમ હાઇ એલર્ટ પર, 10 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે, 26 ડેમ સો ટકા ભરાયા છે. તો, જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 77.56 ટકા પાણીનો સંગ્રહ છે.
આગામી 6 દિવસની હવામાન આગાહી:
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જેમાં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ છે. જ્યારે, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. તો, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
