ગુજરાત, દિલ્હી અને પંજાબ સહિત આ રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી
Live TV
-
ગુજરાત, દિલ્હી અને પંજાબ સહિત આ રાજ્યોમાં આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી
દેશભરમાં ચોમાસું હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી વિગતો અનુસાર, આગામી બે દિવસમાં દેશના અનેક રાજ્યોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધીના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 2 દિવસમાં આ વિસ્તારોમાં ચોમાસાનું આગમન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધીને દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબ, ગુજરાત અને ઉત્તર અરબી સમુદ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના બાકીના ભાગોને આવરી લેશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં 'ભારે વરસાદ'નું એલર્ટ
આગામી બે દિવસ દરમિયાન દેશના પશ્ચિમ અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં દરિયાકાંઠાના કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આ રાજ્યોમાં 3 દિવસ આવું જ હવામાન રહેશે
હવામાન વિભાગે ઉમેર્યું છે કે, આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ રાજ્યો અને વિસ્તારોમાં પણ ચોમાસું બરાબરનું જામશે અને સારો વરસાદ પડશે.
શનિવાર સુધી આ રાજ્યોમાં પણ મેઘમહેર યથાવત રહેશે
સપ્તાહના અંત સુધીમાં એટલે કે શનિવાર સુધી દેશના પૂર્વોત્તર અને આંતરિક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જેમાં બિહાર, ઝારખંડ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કેરળ, માહે, કર્ણાટકના આંતરિક વિસ્તારો તેમજ પૂર્વોત્તર (North-East) ભારતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાના કારણે ગરમીથી રાહત મળશે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
