ગુજરાત યુનિવર્સિટીના ‘HORIZON – 2026’ એલિસબ્રિજ નોર્થ ઝોન યુથ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ
Live TV
-
ગુજરાત યુનિવર્સિટીના ‘HORIZON – 2026’ એલિસબ્રિજ નોર્થ ઝોન યુથ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ, 34 કોલેજોના 1150થી વધુ વિદ્યાર્થીઓ લેશે ભાગ
ગુજરાત યુનિવર્સિટીના એલિસબ્રિજ નોર્થ ઝોન યુથ ફેસ્ટિવલ “HORIZON – Creativity Beyond Limits – 2026” નો રંગારંગ અને ઉત્સાહભેર પ્રારંભ થવા જઈ રહ્યો છે. યુવા શક્તિ, સર્જનાત્મકતા, સાંસ્કૃતિક વૈવિધ્ય અને વિદ્યાર્થીઓની છૂપી પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યુથ ફેસ્ટિવલમાં 34 જેટલી કોલેજોના 1150થી વધુ યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ યુવા મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક, સાહિત્યિક, કલાત્મક અને સર્જનાત્મક ક્ષેત્રની અંદાજે 35 જેટલી રોમાંચક સ્પર્ધાઓમાં પોતાની કલાનું પ્રદર્શન કરશે.
આ યુવા મહોત્સવની શરૂઆત આગામી 28 સપ્ટેમ્બર ના રોજ શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે એકાંકી નાટક સ્પર્ધા દ્વારા કરવામાં આવશે. 29 સપ્ટેમ્બરે “March Past – વિવિધતામાં એકતા” ની થીમ પર આકર્ષક પરેડ યોજાશે, ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે એક ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાશે.
આ વર્ષના આ પ્રતિષ્ઠિત યુથ ફેસ્ટિવલના સફળ આયોજન અને યજમાનપદની જવાબદારી શહેરની જાણીતી શ્રી સ્વામિનારાયણ આર્ટસ કોલેજ, અમદાવાદ ને સોંપવામાં આવી છે. યુવાનોમાં છુપાયેલી કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતો આ મહાકુંભ અમદાવાદના શૈક્ષણિક જગતમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
