ગુજરાત યુનિવર્સિટીમાં 5જી લેબ તૈયાર થશે, કાલુપુર બનશે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન
Live TV
-
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં ડ્રાઈવિંગ ડબલ એન્જિન વિષય પર યુવાનો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વિશેષ ઉપસ્થિત કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાત યુનિવર્સિટીમાં 5જી લેબ તૈયાર થશે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટની મંજૂરી પણ મળી જશે અને 2થી 3 મહિનામાં કૉર નેટવર્ક પણ ઊભું કરવામાં આવશે. સાથે જ તેમણે આજના યુવાનોએ એક પોઝિટિવ માઈન્ટસેટ ડેવલપ કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કાલુપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. 12 દિવસ પહેલા જ કેબિનેટમાં તેની મંજૂરી મળી છે. જ્યારે વર્ષ 2025 સુધીમાં વંદે્ ભારત 3 લાવવાની પણ યોજના છે તેમ જ આ ટ્રેન 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે એક વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને ગુજરાતમાં ઊભું થઈ રહ્યું છે. જ્યારે ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે, જ્યાં કિડની ટ્રાન્સપ્લાન્ટ નજીવા ખર્ચે થાય છે. તો આ સંવાદ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, રેલવેના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
