ગુજરાત વિધાનસભા ખાતે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માની ૧૬૮મી જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
Live TV
-
વિધાનસભા સચિવ સી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સંયુક્ત સચિવ રિટા મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓએ તેમજ સમર્પણ પબ્લિક સ્કૂલ,ગાંધીનગરના વિદ્યાર્થીઓ- શિક્ષકોએ શ્યામજી કૃષ્ણવર્માના તૈલચિત્ર સમક્ષ ભાવસભર પુષ્પ અર્પણ કરીને તેમને પુષ્પાંજલિ અર્પી હતી.
સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિવીર અને ગુજરાતી સપૂત પંડિત શ્યામજી કૃષ્ણવર્માની ૧૬૮મી જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા બિલ્ડીંગ, ગાંધીનગર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા સચિવ સી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સંયુક્ત સચિવ રિટા મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓએ તેમજ સમર્પણ પબ્લિક સ્કૂલ,ગાંધીનગરના વિદ્યાર્થીઓ- શિક્ષકોએ શ્યામજી કૃષ્ણવર્માના તૈલચિત્ર સમક્ષ ભાવસભર પુષ્પ અર્પણ કરીને તેમને પુષ્પાંજલિ અર્પી હતી.
સમર્પણ પબ્લિક સ્કૂલ,ગાંધીનગરની વિદ્યાર્થીની હિર ત્રિવેદીએ ગુજરાતી સપૂત ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનો વિશેષ પરિચય આપતાં કહ્યું હતું કે, તેઓનો જન્મ તા. ૦૪ ઓક્ટોબર ૧૮૫૭ના રોજ કચ્છના માંડવી ખાતે થયો હતો.તેમણે પ્રારંભિક શિક્ષણ માંડવી અને ભુજમાંથી મેળવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ મુંબઈથી પ્રાપ્ત કર્યું હતું. ઈંગ્લેન્ડ જઈને બેરિસ્ટર થયા હતા. ભારત પરત ફરીને તેમણે જહાલપક્ષી રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તદુપરાંત, ઈંગ્લેન્ડ વસવાટ દરમિયાન તેમણે સન ૧૯૦૫માં 'ઈન્ડિયન સોશિયાલિસ્ટ' પત્ર શરૂ કર્યું હતું અને 'ઈંગ્લેન્ડ હોમરૂલ લીગ'ની સ્થાપના કરી હતી. ભારતથી ઈંગ્લેન્ડમાં અભ્યાસ અર્થે જતા ભારતીય વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા માટે તેમણે 'ઈન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને બળ પૂરું પાડ્યું હતું.
શ્રી શ્યામજી કૃષ્ણવર્માનું તા. ૩૦ મી માર્ચ ૧૯૩૦ના રોજ જીનિવા ખાતે અવસાન થયું હતું. નોંધનીય છે કે,રાજ્યની ભાવી પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો તથા આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને તેમના જન્મદિવસે ભાવવંદના કરવાનો વિશિષ્ટ ઉપક્રમ વિધાનસભા ખાતે દર વર્ષે યોજવામાં આવે છે.
