ચૂંટણી પંચ દ્વારા આજથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરાઈ
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે પહેલી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આજથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
હાલ મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તથા તમામને EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પુનઃગઠન બાદ કુલ 50,677 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન આગામી 5 નવેમ્બરને ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે. આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે. મતદારો તેમના વિસ્તારની મતદાર નોંધણી અધિકારીની કચેરી, કલેકટર કચેરીના સ્થળો અને ખાસ ઝુંબેશની તારીખે મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે. 26 ડિસેમ્બર, 2023 સુધીમાં આ અરજીઓના નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને બુથ લેવલ ઑફિસર પાસે પણ હક્ક-દાવાના ફોર્મ જમા કરાવી શકાશે. વધુમાં, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP પર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે.આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન મળેલી હક્ક-દાવાઓની અરજીઓનો નિકાલ કરી 5 જાન્યુઆરી 2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી ખાતે, Image PDF ફોર્મેટમાં મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની વેબસાઈટ https://ceo.gujarat.gov.in પર તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોની મતદાર યાદી જોવા મળી શકશે.
