જામનગર : કૃષિમંત્રી રાઘવજી પટેલે અલીયા અને સુર્યપરા ગામે 14.50 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યું
Live TV
-
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલે જામનગર તાલુકાના અલીયા- ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર રૂ.7 કરોડના ખર્ચે થયેલ રીસર્ફેસિંગ અને અલીયા ગામે રૂ.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજરબ્રીજનું લોકાર્પણ અને સુર્યપરા ગામે રૂ.2.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માઈનોર બ્રિજના કામનું ખાતમુહુર્ત કર્યું હતું.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકાર દ્વારા ગામડાઓમાં આયોજનબદ્ધ વિકાસ કાર્યો કરવામાં આવતા નાગરિકોની સુખાકારીમાં વધારો થઇ રહ્યો છે અને ગામડાઓમાં પણ શહેરની સમકક્ષ સવલતો ઉભી કરવામાં આવી રહી છે. સૂર્યપરા ગામે માઈનોર બ્રીજ તૈયાર થવાથી પાણીનો ભરવો નહી થાય અને લોકો તથા ખેડૂતોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો નહી કરવો પડે. તેમજ અલીયા-ચાવડા ગામથી સ્ટેટ હાઈવે સુધીના રોડ પર રીસર્ફેસિંગની કામગીરી તથા મેજરબ્રીજનું નિર્માણ થયું છે તેના થકી વાહનચાલકોની સમસ્યાઓનો અંત આવશે. અને લોકોનો સમય પણ બચશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને મદદરૂપ થવા માટે હંમેશા તત્પર છે. હાલ ટેકાના ભાવે પાકોની ખરીદી થઇ રહી છે તેના થકી ખેડૂતમિત્રોને પાકના સારા ભાવો મળતા આર્થિક મદદ મળી છે. સૌની યોજના હેઠળ નદીનાળાઓમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને બે સીઝનના પાકો લેવાનો લાભ મળી રહ્યો છે. ગામડાઓમાં પણ રોડ,રસ્તા, બ્રીજ, વગેરે જેવા કામો થતા નાગરિકોની સુખાકારીમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, અલીયા ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.5 કરોડના ખર્ચે 12 મીટરના 13 ગાળાનો મેજરબ્રીજ તથા અલીયા ચાવડાથી સ્ટેટ હાઈવે સુધી કિશાનપથ યોજના હેઠળ 10.50કી.મી.ના રસ્તા પર રૂ.7 કરોડના ખર્ચે રીસરફેસિંગની કામગીરી કરવામાં આવી છે. જેના થકી અલીયા, ચાવડા તથા આજુબાજુના ગામના રહેવાસીઓ અને ખેડૂતોને ફાયદો થશે.