જૂનાગઢ: 107 ગુનામાં સંડોવાયેલા ગુનેગારની મિલકતો પર ફર્યું બુલડોઝર
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અસામાજિક તત્વો અને ગેરકાયદે દબાણ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, રાજ્યમાં પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ જ રહેશે.
આ અભિયાનના ભાગરૂપે, આજે 107 ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના આલિશાન બંગલો પર અને તેના વૈભવી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ગુનાખોરી અને ગેરકાયદે દબાણ સામેના કડક અભિયાન હેઠળ જૂનાગઢમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા કારા દેવરાજભાઈ રાડા રબારી જે 50 વર્ષના છે. કારા ભાઈએ સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
આ આરોપીએ જૂનાગઢના લીરબાઇપરા ખાતે સર્વે નંબર-308માં 750 ચોરસ મીટરની જગ્યામાં આલીશાન બંગલો અને કેન્દ્રીય વિદ્યાલય નજીક સર્વે નંબર-397માં 35,000 ચોરસ મીટરની જગ્યામાં ફાર્મ હાઉસ ગેરકાયદે બનાવ્યું હતું, જેને જૂનાગઢ એસ.પી. શ્રી સુબોધ ઓડેદરાની ટીમ દ્વારા તંત્રની મદદથી આજે તોડી પાડવામાં આવ્યું છે.
કારા રબારી સામે અત્યાર સુધીમાં કુલ 107 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 4 ખૂન, 3 ખૂનની કોશિશ, 4 અપહરણ, 10 લૂંટ, 6 પોલીસ ફરજમાં રૂકાવટ, 4 બળજબરીથી કઢાવી લેવું, 25 મારામારી, 46 પ્રોહિબિશન, 1 હથિયાર ધારા અને 4 અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેની સામે બે વખત PASA હેઠળ કાર્યવાહી થઈ છે અને તેની ગેંગ સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GCTOC) હેઠળ પણ ગુનો નોંધાયો છે.
