ટેકનોલોજી આધારિત સુશાસન, ગુજરાત બન્યું દેશનું AI ઇકોસિસ્ટમ
Live TV
-
આજે 11 મે, 2026ના રોજ સમગ્ર દેશમાં 'રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે 'ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન' (IAIRO) અને સંગીન GPU ઇકોસિસ્ટમ દ્વારા રાજ્યમાં ટેકનોલોજી આધારિત સુશાસનને નવી દિશા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતા ગુજરાતે સરકારી સેવાઓને વધુ સ્માર્ટ અને પારદર્શક બનાવવા માટે મક્કમ પગલાં ભર્યા છે.
AI સેન્ટર ઓફ એક્સલન્સની ભવ્ય સફળતા
વર્ષ 2025માં NASSCOM અને Microsoftના સહયોગથી સ્થાપિત AI સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાતના ટેકનોલોજીકલ ઉત્ક્રાંતિમાં સીમાચિહ્નરૂપ સાબિત થયું છે. કાર્યરત થયાના પ્રથમ વર્ષમાં જ આ કેન્દ્ર દ્વારા 1400થી વધુ ઉદ્યોગ જોડાણો અને 100થી વધુ સ્ટાર્ટઅપ સોલ્યુશન્સ વિકસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, 300થી વધુ વૈશ્વિક પ્રતિનિધિઓ સાથેના જોડાણ અને 350થી વધુ સરકારી અધિકારીઓને મળેલી ટેકનિકલ તાલીમ રાજ્યમાં AI કલ્ચરને મજબૂત કરી રહી છે.GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 'GPU-as-a-Service'
AI અને મશીન લર્નિંગના ક્ષેત્રમાં પ્રોસેસિંગ પાવર વધારવા માટે ગુજરાતે 'India AI Mission' હેઠળ અત્યાધુનિક GPU ઇકોસિસ્ટમ વિકસાવી છે. હાલ રાજ્યમાં 16 GPU સેન્ટર્સ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 100 GPU સ્થાપિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓને સરળતાથી સુવિધા મળી રહે તે માટે રિઅલ ટાઇમ ટ્રેકિંગ સાથે ‘GPU-as-a-Service’ પ્લેટફોર્મ પણ શરૂ કરવામાં આવ્યું છે, જે ગુજરાતને ટેક-હબ બનાવવામાં મદદરૂપ થશે.કૃષિથી આરોગ્ય સુધી AIનો વ્યાપ
રાજ્ય સરકારે ખેતી, આરોગ્ય, શહેરી વિકાસ અને ઊર્જા જેવા મહત્વના 14થી વધુ વિભાગોમાં 40થી વધુ AI યુઝ કેસની ઓળખ કરી છે. કૃષિ ક્ષેત્રે પાક નિદાન અને સ્માર્ટ સિંચાઈ, આરોગ્યમાં કેન્સર સ્ક્રિનિંગ અને શહેરી વિકાસમાં સ્માર્ટ મોબિલિટી જેવા પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત, 'ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ' દ્વારા ભાષા સેતુ, ડોક્યુમેન્ટ એક્સટ્રેક્ટર અને AI ચેટબોટ જેવા સાધનો વિકસાવી નાગરિક સેવાઓને વધુ સુલભ બનાવવામાં આવી છે.ઐતિહાસિક મહત્વ અને ભવિષ્યની દિશા
ઉલ્લેખનીય છે કે, 11 મે 1998ના રોજ ભારતે 'ઓપરેશન શક્તિ' હેઠળ સફળ પરમાણુ પરીક્ષણો કર્યા હતા, જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. ગુજરાત આ ગૌરવશાળી વારસાને આગળ ધપાવતા હવે "ગુજરાત ફ્યુચર ટેકનોલોજી ઇનિશિએટિવ્સ – GFTI" અને AI ટાસ્કફોર્સ દ્વારા ડેટા આધારિત સુશાસન તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં ગુજરાત AI અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે વૈશ્વિક ફલક પર પોતાની ઓળખ વધુ મજબૂત બનાવશે.
