ડાંગ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યો કરાશે, વર્ષ 2025-26 માટે રૂ.486 કરોડનું બજેટ મંજૂર
Live TV
-
ડાંગ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ નિર્મળાબહેન ગાઈનના જિલ્લા પંચાયતના તમામ સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, હિસાબી અધિકારી આર.બી.ચૌધરી સહિતના શાખા અધિકારીઓની ઉપસ્થિતમાં રજૂ કરાયેલા વર્ષ 2025-26નું કુલે રૂ. 486 કરોડનું વિકાસલક્ષી બજેટને મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત રાજય દેશનાં વિકાસમાં પ્રથમ હરોળમાં છે, અને રાજયના વિકાસમાં ડાંગનો પણ ફાળો રહેલો છે. જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આ એક ડુંગરાળ પ્રદેશ છે. અહીંનો 90% પ્રદેશ વનઆચ્છાદિત પ્રદેશ છે. જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘણું રહે છે. પરંતુ પિયત વિસ્તાર માટે જરૂરી ભૌગિલક પરિસ્થિતિ નથી. તેમ છતાં ખેતીવાડી ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો (ખેતી માટે) જાહેર કરાયેલ છે. ગુજરાતના આ જિલ્લામાં એક પણ ઔદ્યોગિક કારખાના નથી. તેમ છતાં જિલ્લાનો અન્ય જિલ્લાઓની જેમ સર્વાંગી વિકાસ કરવાના આયોજન થકી જ, ડાંગના ગામોમાં રસ્તા, પુલો થવાના કારણે મુખ્ય મથક સાથે અહીંના ગામો સીધા જોડાયેલા છે.
અહીં સિંચાઈ, ખેતી, પશુપાલન વગેરે યોજનાઓના કારણે મહદઅંશે ખેતીનો પણ વિકાસ થવા પામ્યો છે. તો આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી જેવી પાયાની સુવિધા લોકો સુધી પહોંચે તેમજ તેમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય, તેવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે. વિકાસની સતત ચાલતી આ પ્રક્રિયામાં સૌનો સહયોગ અને માર્ગદર્શન સમયાંતરે મળતા રહ્યા છે. ડાંગ જિલ્લા પંચાયતને મહેસુલી આવક મળતી નથી. કરવેરા કે ખનીજ ઉત્પાદન અંગે પણ કોઈ લાભ મળતો નથી. ફક્ત વન ઉપજની 10% આવક ઉપર જ આધાર રાખવો પડે છે. જેના કારણે જિલ્લા પંચાયત પાસે આવકના સ્ત્રોત નહિવત છે.
ડાંગ જિલ્લામાં કુલ ત્રણ તાલુકા અસ્તિત્વમાં છે. આમ, સ્વભંડોળ ક્ષેત્રે વહીવટી/વિકાસના ખર્ચમાં વધારો થવા પામ્યો છે. જે બાબતો ધ્યાને લઈ પોતાની આવકના સાધનો વધે, તે બાબત વિચાર માંગી લે છે. જિલ્લાનું સર્વલક્ષી વિકાસશીલ અંદાજપત્ર સરકારના ફંડ સિવાયની આવકો સિવાય તૈયાર કરવું ખુબ જ મુશ્કેલ ભર્યું કામ છે. તેમ છતાં જિલ્લાના વિકાસ માટે અંદાજપત્ર તૈયાર કરાયું છે. અંદાજપત્ર તૈયાર કરવામાં જિલ્લા પંચાયતના સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તથા સૌ પદાધિકારીઓ અને શાખાધિકારીઓ સાથે સંકલન કરી આ અંદાજપત્રનું આયોજન શક્ય બન્યુ છે. તે મુજબ વર્ષ 2024-25ના સુધારેલ તથા વર્ષ 2025-25ના અંદાજોમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળ તેમજ સરકારી સદરે મુખ્યત્વે નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત વિકાસ ક્ષેત્રે ફાળવણી રૂ.75 લાખ સ્વભંડોળ અને રૂ.4259 લાખ સરકારી સહીતનું આયોજન કરાયું છે. જે મુજબ ખેતીવાડી ક્ષેત્રે 12.30 લાખ સ્વભંડોળ અને રૂ.433.11 લાખ સરકારી છે. જયારે પશુપાલન ક્ષેત્રે રૂ.1.10 લાખ સ્વભંડોળથી અને રૂ.311.05 લાખ સરકારી આયોજન છે. આરોગ્ય ક્ષેત્રે રૂ.5 લાખ સ્વભંડોળથી, જયારે રૂ.3520 લાખ સરકારી સદરેથી ખર્ચની માંગણીનું આયોજન છે. સિંચાઈ ક્ષેત્રે રૂ.20 લાખ સ્વભંડોળથી તથા રૂ.1947 લાખ સરકારી આયોજન. જ્યારે શિક્ષણ ક્ષેત્રે રૂ.24.01 લાખ સ્વભંડોળ તથા સરકારી સદરે 16955.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
જિલ્લાના વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન મંડળ, આદિજાતિ પેટા વિસ્તાર યોજના, પછાત વિસ્તાર અનુદાન ફંડ તેમજ અન્ય ખાતાઓ તરફથી યોજનાઓના લાભ મળવાથી સરકારી યોજના હેઠળ ખુટતી કડીના કામો પેટે અનુદાન ઉપલબ્ધ થાય છે. તેમજ મનરેગા યોજના હેઠળ રોજગારી સહ માળખાકીય સુવિધા ઊભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. આમ આવકના સીમિત સ્ત્રોત હોવા છતાં જિલ્લાનો સર્વાગી વિકાસ સાધવાનો પ્રયત્ન કરાયો છે તેમ, પંચાયત પ્રમુખએ સભા સદસ્યોને આવકારી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.