ડાંગ બન્યું ગુજરાતનું 'સ્ટ્રોબેરી હબ': પ્રાકૃતિક ખેતી અને સરકારી સહાયથી ખેડૂતોની આવકમાં મોટો ઉછાળો
Live TV
-
ડાંગ બન્યું ગુજરાતનું 'સ્ટ્રોબેરી હબ': પ્રાકૃતિક ખેતી અને સરકારી સહાયથી ખેડૂતોની આવકમાં મોટો ઉછાળો
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી શરૂ થયેલી ખેડૂત-કેન્દ્રિત નીતિઓ, સિંચાઈ સુવિધાઓ અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયના કારણે આજે રાજ્યનું કૃષિ અને બાગાયત ક્ષેત્ર એક અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક બદલાવનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતનો સરહદી અને ડુંગરાળ જિલ્લો ડાંગ પૂરો પાડી રહ્યો છે. અનુકૂળ આબોહવા, પ્રાકૃતિક ખેતીના પ્રયોગો અને બજારમાં વધતી જતી માગને કારણે ડાંગ જિલ્લો આજે ગુજરાતના અદભુત 'સ્ટ્રોબેરી હબ' તરીકે ઉભરી આવ્યો છે.
3 વર્ષમાં વાવેતર વિસ્તાર અને ઉત્પાદન ડબલ થવા તરફ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડાંગને દેશનો પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. 100% પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ અહીં સ્ટ્રોબેરીના વાવેતર અને ઉત્પાદનમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. વર્ષ 2022-23માં જ્યાં માત્ર 20 હેક્ટરમાં સ્ટ્રોબેરીનું વાવેતર થતું હતું, તે ચાલુ વર્ષે (2025-26) વધીને અંદાજે 33 હેક્ટર સુધી પહોંચવાની સંભાવના છે. વર્ષ 2022-23માં સ્ટ્રોબેરીનું ઉત્પાદન 140 મેટ્રિક ટન હતું, જે વર્ષ 2024-25માં વધીને 196 મેટ્રિક ટન થયું. જ્યારે ચાલુ વર્ષે 2025-26માં આ ઉત્પાદન 233 મેટ્રિક ટનના આંકડાને આંબી જશે તેવો અંદાજ છે.
ડાંગની આબોહવા અને જમીન: સ્ટ્રોબેરી માટે 'અમૃત સમાન'
ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ સ્ટ્રોબેરીના પાકને વૈશ્વિક ગુણવત્તા આપે છે. પાણીનો યોગ્ય નિકાલ કરી શકતી, સેન્દ્રિય તત્ત્વોથી ભરપૂર, રેતાળ અને ગોરાડુ જમીન આ પાક માટે આદર્શ છે. આ જમીનનો પીએચ (pH) 5.5 થી 7.0 ની વચ્ચે રહે છે, જે નુકસાનકારક સૂક્ષ્મજીવોથી મુક્ત હોય છે. સ્ટ્રોબેરીને ફૂલ અને ફળ બેસવા માટે રોજ 8 થી 12 કલાકનો સૂર્યપ્રકાશ જરૂરી છે. ડાંગમાં દિવસ દરમિયાન 22°C થી 25°C અને રાત્રે 7°C થી 13°C સુધીનું શીતળ તાપમાન આ પાકને વધુ મીઠો બનાવે છે.
ખેડૂતોની ફેવરિટ કઈ જાત છે?
ડાંગના ખેડૂતો હાલમાં વિન્ટર ડૉન, અર્લી વિન્ટર, કેમેરોઝા, સ્વીટ ચાર્લી, નાભિલા, નાબાડી, સેલ્વા, બેલરૂબી અને પજેરો જેવી 9 અદ્યતન જાતોની ખેતી કરી રહ્યા છે. જેમાં ‘વિન્ટર ડૉન’ જાત ખેડૂતોમાં સૌથી લોકપ્રિય છે, કારણ કે તે ડિસેમ્બરથી લઈને માર્ચ સુધી સતત વિપુલ પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન આપે છે.
ડાંગમાં ગ્રામ્ય સ્તરે બન્યા 'સ્ટ્રોબેરી ક્લસ્ટર'
બાગાયત વિભાગના માર્ગદર્શન અને ટ્રેનિંગના કારણે ડાંગના અંતરિયાળ ગામડાઓમાં હવે પ્રોફેશનલ સ્ટ્રોબેરી ક્લસ્ટર તૈયાર થયા છે. જેમાં આહવા તાલુકાના ભૂરાપાણી, બોરીગવઠા, ગલકુંડ, કોટમદાર, માલેગાંવ, ડભાસ, સોનુનિયા અને વનર ગામો, વઘઈ તાલુકાના કંચનપાડા, ઘોડવહાલ, મુરંબી અને તેની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.
સરકાર તરફથી 55% થી 75% સુધીની મોટી સબસિડી
ખેડૂતો પર આર્થિક બોજ ન પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બાગાયત વિભાગ મારફતે મોટી સહાય આપવામાં આવી રહી છે. સ્ટ્રોબેરીના મોંઘા રોપા અને વાવેતર ખર્ચ પર 55% થી 75% સુધીની સબસિડી આપવામાં આવે છે. પ્લાસ્ટિક કવર, મલ્ચિંગ મટિરિયલ, પ્લાસ્ટિક ક્રેટ, પેકિંગ મટિરિયલ તેમજ ખેતીને સરળ બનાવતા મિની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટિવેટર અને ટ્રોલી જેવા સાધનો માટે પણ આર્થિક મદદ ઉપલબ્ધ કરાવાય છે.
મજૂરી છોડી ખેડૂતો બન્યા 'લખપતિ': હેક્ટર દીઠ ₹8 લાખ સુધીની કમાણી
સ્ટ્રોબેરીની આ ખેતીએ ડાંગના આદિવાસી ખેડૂતોના જીવન સ્તરમાં મોટો સકારાત્મક બદલાવ આણ્યો છે.
જીવન ધોરણમાં મોટું પરિવર્તન:
ભૂતકાળમાં આ ખેડૂતો ગુજરાન ચલાવવા માટે નજીકના ઔદ્યોગિક વિસ્તારો કે મહારાષ્ટ્રના ખેતરોમાં મજૂરી કરવા સ્થળાંતર કરતા હતા. સ્થાનિક સ્તરે ડાંગર, નાગલી, અડદ અને વરાઈ જેવા પરંપરાગત પાકોમાં આવક બહુ મર્યાદિત હતી. પરંતુ હવે સ્ટ્રોબેરીના કારણે ખેડૂતો પોતાના જ ખેતરમાંથી હેક્ટર દીઠ વાર્ષિક અંદાજે ₹7 થી ₹8 લાખ સુધીની ચોખ્ખી કમાણી કરી રહ્યા છે.
લોકલથી ગ્લોબલ: મોટા શહેરોમાં વધી માગ
શરૂઆતના દિવસોમાં માત્ર સાપુતારા અને આહવા જેવા સ્થાનિક પ્રવાસન સ્થળોએ વેચાતી ડાંગની આ ઓર્ગેનિક સ્ટ્રોબેરી, હવે તેની અદભુત મીઠાશના કારણે અમદાવાદ, સુરત અને ભરૂચ જેવા ગુજરાતના મેગા સિટીઝના બજારો સુધી પ્રીમિયમ ભાવે પહોંચી રહી છે. આ વૈવિધ્યકરણથી સ્થાનિક સ્તરે સેંકડો આદિવાસી રોજગારની નવી તકો પણ ઉભી થઈ છે.
