Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતના આદિવાસી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: રૂ.1331 કરોડની દમણ-ગંગા લિફ્ટ ઇરિગેશન યોજનાને મંજૂરી

Live TV

X
  • દક્ષિણ ગુજરાતના દુર્ગમ અને પહાડી વિસ્તાર ધરાવતા આદિજાતિ વિસ્તારોમાં હવે હરખની હેલી આવશે. કેમ કે, આ ડુંગરાળ વિસ્તારમાં ખેતી માટેની પાણીની અછત દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.1,331.30 કરોડની દમણ-ગંગા લિફ્ટ ઇરિગેશન યોજનાને વહીવટી મંજૂરી આપી છે અને યોજનાના અમલીકરણ માટે ઝડપથી કામ આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇનો લાભ મળે તે માટે અડિખમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. 

    આ યોજના હેઠળ મધુબન જળાશયમાંથી ઉપલબ્ધ વધારાનું પાણી ઉપાડી પડકારજનક અને પહાડી વિસ્તાર સુંધી પમ્પિંગ કરીને વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાનાં 17,000 હેક્ટર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવશે.

    કપરાડા અને ધરમપુરના ઊંચાણવાળા વિસ્તારો લાંબા સમયથી પાણીની અછતનો સામનો કરે છે. દક્ષિણ ગુજરાતનાં નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગુરુત્વાકર્ષણ આધારિત કેનાલ સિસ્ટમનો લાભ મળે છે, જ્યારે પૂર્વના આદિજાતિ વિસ્તારો મધુબન ડેમની કેનાલ વિતરણ વ્યવસ્થાની સરખામણીએ નોંધપાત્ર ઊંચાઈ પર આવેલા છે. પરિણામે, આ વિસ્તારનાં ખેડૂતો પરંપરાગત રીતે ઘટતા ભૂગર્ભજળ પર નિર્ભર રહ્યા છે.

    આ ભૌગોલિક અસમાનતાને દૂર કરવા માટે રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા વ્યાપક શક્યતા અને એન્જિનિયરિંગ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સલાહકારોએ વિવિધ રૂટ વિકલ્પોનું મૂલ્યાંકન કર્યા બાદ વિકલ્પ-3ને શ્રેષ્ઠ રૂટ તરીકે પસંદ કર્યો હતો.

    અંતિમ પાઇપલાઇન નેટવર્કમાં આશરે 53 કિલોમીટર લાંબી મુખ્ય ટ્રંક લાઇન ઉપરાંત 188 કિલોમીટરથી વધુની શાખા અને ફીડર લાઇનોનો સમાવેશ થશે. આ રૂટમાં ઊંચાઈમાં નોંધપાત્ર તફાવતને પાર કરવાનો રહેશે, જેમાં સમુદ્ર સપાટીથી 65 મીટરથી 382 મીટર સુધીની ઊંચાઈનો સમાવેશ થાય છે.

    એન્જિનિયરિંગ યોજના તબક્કાવાર પમ્પિંગ સિસ્ટમ પર આધારિત છે, જે દબાણનું કાર્યક્ષમ વિતરણ સુનિશ્ચિત કરશે અને સિસ્ટમ પર વધુ પડતું ભારણ આવતું અટકાવશે. મુખ્ય પમ્પિંગ સ્ટેશન-1 મધુબન ડેમ નજીક ફતેહપુરા ગામ પાસેની સરકારી જમીન પર બનાવવામાં આવશે.

    અહીંથી પાણીને બે મધ્યવર્તી પમ્પિંગ સ્ટેશનો—બુરવાડ ખાતે PS-2 અને કિસ્તોનિયા નજીક PS-3—દ્વારા ઉપાડવામાં આવશે. આ સમગ્ર પમ્પિંગ સિસ્ટમની સંયુક્ત ક્ષમતા 56,400 કિલોવોટ (75,600 હોર્સપાવર) રહેશે. કપરાડા ગામ નજીક ઊંચાઈવાળા વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવનાર બ્રેક પ્રેશર ટેન્ક્સ (BPTs) વધારાના સ્ટેટિક હેડને ઘટાડશે અને ત્યારબાદ પાણીને શાખા નેટવર્ક મારફતે ગુરુત્વાકર્ષણના આધારે ધરમપુર તરફ વહેવા સક્ષમ બનાવશે.

    આ યોજના કુલ 500 ક્યુસેક પાણીની ક્ષમતા સાથે કાર્ય કરશે. વાર્ષિક 100 દિવસના સંચાલન સમયગાળા દરમિયાન બે નિયુક્ત ઝોનમાં 15 દિવસના રોટેશનલ સપ્લાય ચક્ર મુજબ પાણીનું વિતરણ કરવામાં આવશે. ઝોન-1માં કપરાડા તાલુકાનાં 28 ગામોનો સમાવેશ થશે અને તેની મહત્તમ પાણીની જરૂરિયાત 320 ક્યુસેક રહેશે. જ્યારે ઝોન-2 હેઠળ ધરમપુર અને કપરાડા તાલુકાનાં 17 ગામોને 180 ક્યુસેક પાણી ફાળવવામાં આવશે. આમ કુલ 46 ગામોને આ યોજનાનો સીધો લાભ મળશે. માત્ર ખેતર સ્તરે સીધું પાણી વિતરણ કરવાને બદલે, લિફ્ટ કરાયેલું પાણી 26 ગામ તળાવો અને 81 ચેકડેમોમાં છોડવામાં આવશે.

    આ જળસ્રોતોના એકીકરણથી ભૂગર્ભજળના રિચાર્જમાં વધારો, પાકના મહત્વપૂર્ણ વૃદ્ધિ તબક્કા દરમિયાન પાણી જાળવી રાખવાની ક્ષમતામાં સુધારો તેમજ પર્યાવરણીય નદી પ્રવાહ જાળવવામાં મદદ મળશે. આ ઉપરાંત, બારુમાલ ગામના ટેલ-એન્ડ ખાતે માન નદીમાં પાણી છોડવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

    હાઇડ્રોલોજિકલ વિશ્લેષણ મુજબ, મધુબન જળાશયમાં પૂરતો જીવંત જળસંગ્રહ ઉપલબ્ધ છે અને તાજેતરના વર્ષોમાં જળાશયની ક્ષમતા સતત લગભગ 100 ટકા રહી છે. આથી, ઘરેલુ અથવા પ્રાદેશિક પાણી ફાળવણીને અસર કર્યા વિના દર વર્ષે જરૂરી 122.33 મિલિયન ક્યુબિક મીટર (MCM) પાણી યોજનામાંથી મેળવી શકાશે તેવી અપેક્ષા છે.

    આ યોજનામાં આધુનિક ઓટોમેશન અને મોનિટરિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવશે. તેમાં રિયલ-ટાઇમ પાણીના પ્રવાહનું મોનિટરિંગ અને દબાણનું સંચાલન કરવા માટે કેન્દ્રીય સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન (SCADA) સિસ્ટમનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
apply