દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના: વર્ષ 2025-26માં 1,200થી વધુ ગ્રામીણ યુવાઓની તાલીમથી બદલાઈ જિંદગી
Live TV
-
તાલીમ બાદ મહિને લઘુત્તમ રૂ. 10 હજારથી વધુની કમાણી કરતા તાલીમાર્થીઓ
રાજ્યના ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોમાં વસતા યુવાધનને પગભર કરવા માટે કાર્યરત ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ (DDU-GKY) યુવાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ દર મહિને લઘુત્તમ રૂ.10,000ના પગાર સાથે રોજગારીની તક પૂરી પાડતી આ યોજના થકી નાણાકીય વર્ષ 2025-26માં 10 માર્ચ, 2026 સુધીમાં રાજ્યના 18 થી 35 વર્ષની વયજૂથના 1,268થી વધુ યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપીને સફળતાપૂર્વક રોજગારી સાથે જોડવામાં આવ્યા છે, જેમાં મહિલા ઉમેદવારોની ભાગીદારી વિશેષ અને નોંધપાત્ર રહી છે.
12 મહિના સુધી ટેકનિકલ માર્ગદર્શન
આ યોજના માત્ર નોકરી અપાવવા પૂરતી સીમિત નથી, પરંતુ યુવાનો કાર્યક્ષેત્રમાં સ્થિર થઈ શકે તે માટે નોકરી મેળવ્યા બાદ પણ 12 મહિના સુધી તેમને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવે છે.વિવિધ 40થી વધુ સેક્ટરમાં તાલીમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના નેતૃત્વમાં રાજ્યમાં ‘ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ’ (GLPC) દ્વારા આ યોજનાનું સફળ સંચાલન થઈ રહ્યું છે. યોજના હેઠળ 40થી વધુ ‘સેક્ટર સ્કિલ કાઉન્સિલ’ (SSC) માન્ય ક્ષેત્રોમાં તાલીમ અપાય છે. જેમાં લોજિસ્ટિક્સ, હેલ્થકેર, રિટેલ, સોલાર ટેકનોલોજી, BPO, વેબ ડિઝાઇનિંગ અને ઇલેક્ટ્રિશિયન જેવા બજારની માંગ આધારિત કોર્સનો સમાવેશ થાય છે.તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક
રેસિડેન્શિયલ તાલીમાર્થીઓને રહેવા અને જમવાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે બિન-નિવાસી તાલીમાર્થીઓને દર 15 દિવસે મુસાફરી ભથ્થું ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT) મારફતે ચૂકવાય છે. આ ઉપરાંત તમામ તાલીમાર્થીઓને યુનિફોર્મ, ટેબ્લેટ, ID કાર્ડ અને અભ્યાસ સામગ્રી પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. યોજનામાં SC, ST, લઘુમતી, મહિલાઓ અને દિવ્યાંગ તાલીમાર્થીઓને વિશેષ પ્રાથમિકતા અપાય છે.‘DDU-GKY' એ મારી જેવી ગ્રામીણ યુવતીને નવી દિશા આપી: દક્ષાબેન ડામોર, મહીસાગર
મહીસાગર જિલ્લાના કાકરિયા ગામના દક્ષાબેન ડામોર માટે DDU-GKY યોજના જીવન બદલનારી સાબિત થઈ છે. પાંચ ભાઈ-બહેનોના પરિવારમાં આર્થિક તંગી વચ્ચે જીવન ગુજારતા દક્ષાબેનને સહેલી મારફતે આ યોજનાની જાણ થઈ હતી. યોજના હેઠળ વિનામૂલ્યે રહેવા-જમવાની સુવિધા સાથે તેમણે ‘રીટેલ સેલ્સ એક્ઝિક્યુટિવ’, ‘કોમ્પ્યુટર-IT’ અને ‘સોફ્ટ સ્કિલ્સ’ની સઘન તાલીમ મેળવી. તાલીમ પહેલાં અંગ્રેજી કે હિન્દી બોલવામાં અચકાતા દક્ષાબેન આજે આત્મવિશ્વાસપૂર્વક હિન્દી અને અંગ્રેજીમાં વાતચીત કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, "આ યોજનાએ મારા જેવી અંતરિયાળ વિસ્તારની યુવતીને આત્મનિર્ભર બનવાની સોનેરી તક આપી છે."માહિતી ક્યાંથી મેળવવી?
યોજનાનો લાભ લેવા ઇચ્છુક ગ્રામીણ યુવક-યુવતીઓ પોતાની તાલુકા પંચાયત કચેરી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)નો સંપર્ક કરી શકે છે. વધુ વિગતો માટે વેબસાઇટ kaushal.rural.gov.in અથવા glpc.co.in પર માહિતી મેળવી શકાશે.
