દીવના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા અને ફાઇલેરિયા નાબૂદી માટે મહત્વની પહેલ
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (દીવ)ના આરોગ્ય વિભાગે રાષ્ટ્રીય વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP) હેઠળ મેલેરિયા અને ફાઇલેરિયા નાબૂદી તરફ નક્કર પગલાં લીધાં છે.
આ સંદર્ભમાં આરોગ્ય વિભાગ દ્વારા બે દિવસીય સમીક્ષા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન, રાજ્યના કાર્યક્રમ અધિકારીએ જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું હતું અને મેલેરિયા અને ફાઇલેરિયાસીસ નિયંત્રણને લગતી પ્રવૃત્તિઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યું હતું.
પ્રવાસના બીજા દિવસે રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આરોગ્ય કર્મચારીઓને રોગ નિયંત્રણના પ્રયાસોને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવા માટે જરૂરી માહિતી અને કૌશલ્ય પ્રદાન કરવાનો હતો.
આરોગ્ય વિભાગે દીવ જિલ્લાને મેલેરિયા અને ફાઈલેરિયા મુક્ત બનાવવા માટે વ્યાપક અને આયોજનબદ્ધ અભિગમ અપનાવવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. આગામી દિવસોમાં વિવિધ સ્તરે યોજનાઓનો અમલ સુનિશ્ચિત કરવામાં આવશે. આરોગ્ય વિભાગનો આ પ્રયાસ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મેલેરિયા અને ફાઇલેરિયાના સંપૂર્ણ નાબૂદીની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.
