નર્મદા જિલ્લામાં પ્રકૃતિ સાથે સમન્વય સાધતી ખેતીની નવી ક્રાંતિ : અંદાજીત 11,000 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી
Live TV
-
આધુનિક ખેતી પદ્ધતિઓના કારણે જમીનની ઘટતી ફળદ્રુપતા અને વધતા પ્રદૂષણ વચ્ચે ગુજરાત સરકારના પ્રોત્સાહનથી નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ ઝડપથી વધી રહ્યો છે.
આજે નર્મદા જિલ્લો ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતીના ક્ષેત્રે રાજ્યના અગ્રણી જિલ્લાઓમાં સ્થાન મેળવી રહ્યો છે. હાલમાં જિલ્લાના અંદાજે 11,000 જેટલા ખેડૂતોએ રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ત્યાગ કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
ખેડૂતોને આ નવીન પદ્ધતિથી અવગત કરવા માટે જિલ્લામાં વ્યાપક સ્તરે કામગીરી કરવામાં આવી છે.વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ૭૪ ક્લસ્ટરમાં કુલ 7,216 તાલીમ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં 64,510 ખેડૂતોને જીવામૃત, બીજામૃત અને કુદરતી જીવાત નિયંત્રણનું વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવ્યું છે.ખેડૂતો પ્રત્યક્ષ પરિણામો જોઈને પ્રેરણા મેળવી શકે તે માટે જિલ્લામાં 123 મોડેલ ફાર્મ (જીવંત પ્રયોગશાળા) વિકસાવવામાં આવ્યા છે.પ્રાકૃતિક કૃષિના કેન્દ્રબિંદુ સમાન દેશી ગાયના ઉછેર માટે સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં આવી રહી છે. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 2,736 લાભાર્થી ખેડૂતોને 'દેશી ગાય નિભાવ સહાય' પૂરી પાડવામાં આવી છે. ગૌમૂત્ર અને ગોબરના ઉપયોગથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થયો છે અને ખેડૂતો મોંઘા વિદેશી ખાતરો પરની નિર્ભરતામાંથી મુક્ત બન્યા છે.રસાયણમુક્ત ખેતીના કારણે જમીનની ભેજસંગ્રહ શક્તિ અને ફળદ્રુપતા વધી છે, તેમજ ભૂગર્ભ જળનું પ્રદૂષણ અટક્યું છે. મધમાખી અને પતંગિયા જેવા મિત્ર કીટકોનું સંવર્ધન થતાં કુદરતી પરાગસંચય વધ્યો છે. બજારમાં કેમિકલમુક્ત અનાજ, શાકભાજી અને ફળો ઉપલબ્ધ થતાં માનવ આરોગ્ય પર થતી પ્રતિકૂળ અસરો પણ અટકી છે.નર્મદા જિલ્લાના હજારો ખેડૂતો, મોડેલ ફાર્મ અને સરકારી તંત્રના સંયુક્ત પ્રયાસોથી આજે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ એક મજબૂત જન-આંદોલન બની ચૂકી છે, જે "વિકસિત ગુજરાતથી વિકસિત ભારત" તરફ એક મોટું કદમ છે.
