પાલીતાણા સિવિલ પાણીની ટાંકી કૌભાંડમાં કાર્યવાહી, આરોગ્ય મંત્રીનો 2 ઈજનેરોને સસ્પેન્ડ કરવા આદેશ
Live TV
-
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઓચિંતી મુલાકાત લઈ 2 બેદરકાર ઈજનેરોને સસ્પેન્ડ કરવા આપ્યા નિર્દેશ... 50.43 લાખનું ખોટું બિલ પાસ કરનાર સામે પોલીસ ફરિયાદ... કહ્યું, રાજ્યમાં આરોગ્ય ફંડની ગેરરીતિ સાંખી લેવાશે નહીં
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પાલીતાણા હોસ્પિટલની તાજેતરની મુલાકાત દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર મામલે ગંભીર નોંધ લીધી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે, સ્થળ પર પાણીની ટાંકીનું કામ થયેલું ન હોવા છતાં તેનું બિલ રૂપિયા 50.43 લાખનું મંજૂર કરવા વડી કચેરીમાં રજૂ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવ્યું હતું....બિલ રજૂ કરનાર જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ અને સસ્પેન્શનની સૂચના આપવામાં આવી છે... ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટમાં મુકવા તથા બે ઈજનેરો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવા આદેશ થવા સુચના આપી છે...આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, “રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં.”
આ ગંભીર બેદરકારીના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બિલ મંજૂર કરાવવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનાર અધિકારીઓની ભૂમિકા અંગે ગંભીર નોંધ લેતા આરોગ્ય મંત્રીએ બિલ રજૂ કરનાર (1) મેહુલ દવે (ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર), (2) એન.વી. કાલીયા (નાયબ કાર્યપાલક ઈજનેર) સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી.
આ સમગ્ર મામલામાં સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન-સુરતને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવા તેમજ ફરજમાં બેદરકારી બદલ બે સંબંધિત ઈજનેરો સામે ફરજમુકતની કાર્યવાહી કરવા પણ આરોગ્ય મંત્રીએ PIUના અધિકારીઓને આદેશ આપેલ છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ શું કહ્યું?
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટપણે કહ્યું કે, રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી આરોગ્યલક્ષી વિકાસકાર્યોમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
જનતાના નાણાંનો એક પણ રૂપિયો બિનજવાબદારીપૂર્વક ખર્ચાય નહીં અને મંજૂર થયેલા વિકાસકાર્યો સ્થળ પર વાસ્તવિક રીતે, ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત ધોરણો અનુસાર પૂર્ણ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી દ્વારા આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, સરકારી કામોમાં બેદરકારી કે ગેરરીતિ કરનાર કોઈપણ વ્યક્તિ કે એજન્સી સામે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.
