પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોધરાના વિંઝોલ ગામના રાજુબેન સાથે આવાસ યોજના અંતર્ગત સંવાદ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અંતર્ગત ગત રોજ બનાસકાઠા જિલ્લાના અંબાજીમા પ્રધાનમંત્રીના વરદહસ્તે લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ રાજયના વિવિધ જિલ્લાના 4000થી વધુ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામિણ)ના આવાસોનું લોકાર્પણ ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્રેના જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ગામના રાજુબેન સાથે પીએમ આવાસ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજુબેનને ૧ લાખ ૨૦ હજારની સહાય મળતા તેમણે પોતાનું પાકું મકાન બંધાવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ પહેલા કાચા ઝૂંપડામાં રહેતા હતા અને સરકારશ્રીની આ યોજના અંતર્ગત તેમને લાભ મળતા પાકી છત અને સહારો મળ્યો છે. તેમણે પ્રધાનમંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે તેમના ઘરે લગ્ન પ્રસંગની જેમ ઘરને સજાવવામાં આવ્યું હતું. તેમણે ઘરે રંગોળી બનાવી હતી તથા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
પંચમહાલ જિલ્લાના 424 થી વધારે ગામોમા કુલ 6503 આવાસોના લોકાર્પણ/ખાતમુર્હુત યોજાયા છે. જેમાં ગોધરા તાલુકાના કુલ 1380 આવાસોના લોકાર્પણ કરાયા હતા. અત્રેના જિલ્લાના વિવિધ તાલુકાના નવ ગામોમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનું ટુ-વે કનેકટીવીટી મારફતે પ્રસારણ કરાયું હતું. તેમજ અન્ય તમામ ગામોમાં વન–વે પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અત્રેના જિલ્લાના ચાર શ્રેષ્ઠ આવાસોના વીડીયોનું જીવંત પ્રસારણ કરાયું હતું.જિલ્લાના કુલ ૯ ગામોમાં આ કાર્યક્રમની ટુ–વે કનેકટીવીટી કરાઈ હતી. જયાં કાર્યક્રમની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ જેમાં ગૃહ પ્રવેશ, ટીમલી નૃત્ય, આતીશબાજી, માલધારી નૃત્ય, ભવાઈ, ભજન, હવન, રંગોળી, ગરબાનું પણ આયોજન કરાયું હતું.
