પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આપેલી વિકાસની રાજનીતિની ભેટથી છેવાડાના માનવી સુધી આજે વિકાસના ફળ પહોંચી રહ્યા છે- જગદીશ વિશ્વકર્મા
Live TV
-
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે અમદાવાદના વિરાટનગર સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.97 કરોડના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને વિકાસની રાજનીતિની જે ભેટ આપી છે, તેના ફળ આજે છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. કોંગ્રેસ માત્ર મત મેળવવા ચૂંટણી સમયે કામોના વાયદા જ કરે છે. દેશને 75 વર્ષ સુધી કોંગ્રેસ તરફથી જનતાને માત્ર વચનો જ મળ્યા છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા વિકાસની રાજનીતિને મત આપી રહી છે અને આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ પર જનતા વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. ભાજપા જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, માત્ર15 મહિનાના ટૂંકા ગાળામાં રૂ.10.91 કરોડથી વધુના ખર્ચે 30 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ અત્રે તૈયાર કરી દેવાઈ છે, જ્યાં 11 સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો, 43 પ્રકારના નિઃશુલ્ક રિપોર્ટ, સોનોગ્રાફી અને એક્સ-રે જેવી સેવાઓ ઉપલબ્ધ છે. તેઓએ કહ્યું કે, જનતાએ તેમને ધારાસભ્ય તરીકે સેવાની તક આપી છે, ત્યારથી અત્યાર સુધીમાં નિકોલ વિસ્તારમાં અંદાજે ₹1000 કરોડથી વધુના વિકાસના કામો થયા છે. પાછલા બે વર્ષમાં વિસ્તારમાં થયેલા મહત્વના કાર્યોની અંગે તેમણે કહ્યું કે, વિશ્વકર્મા બ્રિજ, લક્ષ્મણ બ્રિજ, શબરી વાટિકા, લવ-કુશ તળાવ અને શ્રી રામ પાર્ટી પ્લોટ જેવા પ્રકલ્પો જનતાની સુખાકારી માટે કાર્યરત બન્યા છે. વધુમાં, વિરાટનગરમાં ટૂંક સમયમાં જ એક અત્યાધુનિક 'ઈ-લાઈબ્રેરી'નું નિર્માણ કાર્ય પણ શરૂ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદના પૂર્વ વિસ્તારની જનતાને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આ વર્ષના બજેટમાં અંદાજે ₹700 કરોડના ખર્ચે અત્યાધુનિક હોસ્પિટલનું આયોજન કરાયું છે, જે માટે કોર્પોરેશને ₹50 કરોડની ફાળવણી પણ કરી દીધી છે. છે. પૂર્વ વિસ્તારમાં અંદાજે રૂ. 1,200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
જગદીશવિશ્વકર્માએ વધુમાં કહ્યું કે, પ્રજાએ ચૂંટણીઓમાં ભાજપાને ભરપૂર મત આપી જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેનું ઋણ ભાજપાએ ગુજરાતના સાડા છ કરોડ નાગરિકો માટે વિકાસના અનેક કાર્યો થકી ચૂકવવાનો પ્રયાસ કર્યો છે. સરકારની 450 થી વધુ યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગને મળી રહ્યો છે.તેઓએ જનતાના હિત અને સુખાકારી માટે તેમજ જનતાના પ્રશ્નોના સમાધાન માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ ચૂંટાયેલ પાંખ અને કાર્યકર્તાઓને બિરદાવ્યા હતાં અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ જનતા વિકાસની કામગીરીને મત આપશે.આ કાર્યક્રમમાં મેયર પ્રતિભાબેન જૈન, સાંસદ હસમુખ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપાના પદાધિકારીઓ, નગરસેવકો, સબંધિત અધિકારીગણ તથા નાગરિક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
