પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત 'મોદી શૈક્ષણિક સંકુલ'નું લોકાર્પણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતે શ્રી મોઢ વણિક જ્ઞાતિ મિલકત ટ્રસ્ટ અંબાજી તથા સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ દ્વારા નિર્મિત 'મોદી શૈક્ષણિક સંકુલ' ના લોકાર્પણ કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વમાં જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે એ જ સમાજ આગળ આવ્યો છે. રાજ્યના મોદી સમાજે આ વાતને પ્રાધાન્ય આપીને સમાજના બાળકો માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરતું શૈક્ષણિક સંકુલ નિર્માણ કર્યું છે તે સાચી દિશામાં રસ્તો છે. સાથે-સાથે આજ રસ્તે સમાજ કલ્યાણની દિશાઓ ખુલવાની છે એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, ગઇકાલે તેમણે મોઢેશ્વરી માતાના દર્શન કર્યા હતા આજે સમાજ દેવતાના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે પણ સમાજના ચરણોમાં આવવું અને સમાજના આર્શીવાદ લેવા એ ધન્ય ઘડી છે. મોદી સમાજ અંત્યત સામાન્ય જીવન જીવતો નાનો સમાજ છે. તેમ છતાંય સંકુલ નિર્માણનું ભીગરથ કાર્ય સમાજના સહયોગથી પૂર્ણ થયું છે એ અભિનંદનીય છે. સાથે-સાથે સમાજે એક ચોક્કસ લક્ષ્ય સાથે આ કામ પૂર્ણ કર્યું છે તે સાચી દિશાનું પગલું છે.
પ્રધાનમંત્રીએ, મોદી સમાજના શિસ્ત અને સૌમ્યતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ એવો સમાજ છે જે ક્યારેય કોઇને નડ્યો નથી. સંગઠન જ મોટી શક્તિ છે તે વાત આજે સમસ્ત મોદી સમાજે પુરવાર કરી છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદે રહ્યા અને બે વખત વડાપ્રધાન પદે રહ્યા તેમ છતાંય સમાજની એક પણ વ્યક્તિ મારી પાસે કોઇ પણ કામ લઇને આવી નથી. એના દ્વારા સમાજે મને મોટો ટેકો અને તાકાત આપી છે. સાથે-સાથે મારો પરિવાર અને મારો સમાજ મારાથી દૂર રહ્યા છે એટલે વ્યક્તિગત રીતે મારા માટે આજે સમાજના ઋણ સ્વીકારનો અવસર છે. આ સમાજને હું આદરપૂર્વક વંદન કરું છું એમ તેમણે ઉમેર્યું હતું. સિંગાપોરમાં ત્યાના વડાપ્રધાને તેમના વિસ્તારમાં બનાવેલી એક નાની આઇ.ટી.આઇ.નો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ આઇ.ટી.આઇ.માં કૌશલ્ય વર્ધનને અગ્રિમતા આપી છે. આજ રીતે આપણે ત્યાં પણ આજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બને તે ઇચ્છનીય તો છે જ પરંતુ બાળકોના કૌશલ્ય વર્ધનને પણ આપણે ચોક્કસ આકાર આપવો પડશે. હુન્નર હશે તો ક્યારેય પાછા વળીને જોવું નહીં પડે એ સર્વ સત્ય છે. ત્યારે આગામી સમયમાં ડિગ્રીવાળા કરતા હુન્નરવાળાની તાકાત વધવાની છે એ પણ એટલું જ સત્ય છે. શ્રમની પ્રતિષ્ઠા જ પ્રગતિનું ઔષધ છે. આવનારી પેઢી શ્રમ-કૌશલ્યના પગલે જ વધુ પ્રગતિ કરી શકશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના પ્રવાસન અને વાહન વ્યવહાર મંત્રી તથા સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના પૂર્વ પ્રમુખ પૂર્ણેશભાઈ મોદી, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સાંસદ નરહરિભાઈ અમીન, સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના પ્રમુખ શ્રી સોમાભાઈ મોદી, સમસ્ત મોઢ વણિક મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ મોદી તેમજ મોદી સમાજના અગ્રણીઓ- લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
