Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને વિશિષ્ટ મ્યૂઝિયમોના નિર્માણ થકી સાકાર કરતું ગુજરાત

Live TV

X
  • ઈતિહાસ જ્યારે પથ્થરોમાંથી બોલવા લાગે અને ભૂતકાળ જ્યારે વર્તમાનની આંખોમાં આંખ પરોવીને વાત કરે, ત્યારે સમજવું કે તમે કોઈ મ્યુઝિયમમાં છો. મ્યુઝિયમ એ માત્ર જૂની વસ્તુઓનો સંગ્રહ નથી, પણ તે આપણી સંસ્કૃતિનો અરીસો અને આવનારી પેઢી માટે જ્ઞાનનો ભંડાર છે. દર વર્ષે 18 મેના રોજ ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’ ઉજવાય છે, ત્યારે આપણું ગુજરાત તેના સમૃદ્ધ ઈતિહાસને આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે દુનિયા સમક્ષ ભવ્ય રીતે પ્રસ્તુત કરી રહ્યું છે.

    ગુજરાત હંમેશા કલા અને સંસ્કૃતિનું પ્રણેતા રહ્યું છે. વડોદરાનું પ્રખ્યાત ‘બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી’ હોય કે ભાવનગરનું ‘બાર્ટન મ્યુઝિયમ’, આ સ્થળો દાયકાઓથી આપણી ઓળખ સાચવીને બેઠા છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારે મ્યુઝિયમની વ્યાખ્યા બદલી નાખી છે. હવે મ્યુઝિયમ માત્ર જોવા માટે નથી, પણ તે ‘અનુભવ’ કરવા માટે પણ છે.

    •    મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા, ગાંધીનગર) તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અત્યાધુનિક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં હજારો વર્ષ જૂની હસ્તપ્રતો, પ્રાચીન સિક્કાઓ અને જૈન સંસ્કૃતિની દુર્લભ કલાકૃતિઓનું ડિજિટાઈઝેશન વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર સંશોધન અને જ્ઞાનનું વૈશ્વિક કેન્દ્ર બનશે.

    •    સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય (ભૂજ): વર્ષ 2001 ના ભૂકંપના પીડિતોની સ્મૃતિમાં 470 એકરમાં બનેલું આ ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે. અહીં વિશાળ મિયાવાકી જંગલ, 50 ચેકડેમ અને 12,932 પીડિતોના નામની તકતીઓ કંડારવામાં આવી છે. ખાસ થિયેટરમાં ધ્રુજારી, ધ્વનિ અને પ્રકાશના સંયોજનથી ભૂકંપનો જીવંત અનુભવ કરાવાય છે. આ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સ્થાન મળ્યું છે.

    •    દાંડી કુટિર (ગાંધીનગર): મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત ભારતનું પ્રથમ હાઇટેક મ્યુઝિયમ છે. 41 મીટરનો શંકુ આકારનો સફેદ ગુંબજ મીઠાના ઢગલાનું પ્રતીક છે, જે 1930 ની ઐતિહાસિક દાંડીકૂચની યાદ અપાવે છે. અહીં 3D મેપિંગ, હોલોગ્રાફી અને 360 ડિગ્રી પ્રોજેક્શન જેવી ટેકનોલોજી દ્વારા ગાંધીજીનું જીવનચરિત્ર દર્શાવાયું છે.

    •    સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમ (કેવડિયા, નર્મદા): વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નીચેના ભાગમાં સ્થિત આ મ્યુઝિયમમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન આધારિત ઑડિઓ-વિઝ્યુઅલ અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો છે, સાથે જ આદિવાસી સંસ્કૃતિ અને પ્રાદેશિક વારસાને પણ વણી લેવાયો છે.

    •    નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (લોથલ): વડાપ્રધાનના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને સાકાર કરવા ૫૦૦૦ વર્ષ જૂના ભારતના સમુદ્રી વ્યાપાર અને હડપ્પન સંસ્કૃતિને જીવંત કરવા આ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. અહીં 14 ગેલેરીઓ, કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન અને ‘મેમોરિયલ’, ‘મેરિટાઇમ-નેવી’, ‘ક્લાઇમેટ’ તેમજ ‘એડવેન્ચર’ જેવા 4 ભવ્ય થીમ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે.

    •    પ્રેરણા અને પુરાતત્વીય મ્યુઝિયમ (વડનગર): આ મ્યુઝિયમ ભારતની પ્રાચીન નગરરચનાની અદભુત ઝાંખી કરાવે છે.

    *ટેકનોલોજી અને શિક્ષણનો સમન્વય*

    હવે ગુજરાતના મ્યુઝિયમ્સ માત્ર કાચની પેટીઓ પૂરતા સીમિત નથી. અમદાવાદ સાયન્સ સિટીમાં આવેલી રોબોટિક ગેલેરી અને એક્વેટિક ગેલેરી આધુનિક વિજ્ઞાન સંગ્રહાલયના ઉત્તમ ઉદાહરણો છે, જ્યાં મુલાકાતીઓ VR (વર્ચ્યુઅલ રિયાલિટી) અને AR (ઓગમેન્ટેડ રિયાલિટી) દ્વારા ઈતિહાસ અને વિજ્ઞાનને માણી શકે છે. આગામી સમયમાં સુરત અને જામનગર જેવા શહેરોમાં પણ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો વિકસાવવાની નેમ છે.સાબરમતી આશ્રમ અને દાંડી કુટિર જેવા સ્થાનો શાળાઓ અને કોલેજો સાથે જોડાઈને નવી પેઢીને રસપ્રદ રીતે સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથા સમજાવી રહ્યા છે. સરકાર દ્વારા બજેટમાં હેરિટેજ ટૂરિઝમને વેગ આપવા માટે ‘હેરિટેજ સર્કિટ’ના વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

    આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની આ વર્ષની થીમ “સાંસ્કૃતિક, સામાજિક અને ભૌગોલિક મતભેદો વચ્ચે સંવાદ, સમાવેશ અને શાંતિને પ્રોત્સાહન” રાખવામાં આવી છે.મ્યુઝિયમ એ માત્ર ભવ્ય ઇમારત નથી, પણ આપણી અસ્મિતાનું પ્રતીક છે. આ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસે, આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા પરિવાર અને બાળકો સાથે ગુજરાતના આ અમૂલ્ય વારસાની મુલાકાત લઈશું. સરકારના અવિરત પ્રયાસો અને નાગરિકોની જાગૃતિ જ ગુજરાતના આ ભવ્ય ભૂતકાળને ઉજ્જવળ ભવિષ્ય સુધી લઈ જશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply