પ્રાકૃતિક ખેતીએ આવનારી પેઢી અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ -બાયસેગ (BISAG) ના માધ્યમથી સમગ્ર રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.
પ્રાકૃતિક ખેતી એ આવનારી પેઢી અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય છે તેમ જણાવી રાજ્યપાલએ અધિકારીઓ અને પ્રશિક્ષકોને આ મિશન માટે સમર્પણભાવથી કામ કરવા અપીલ કરી હતી.રાજ્યપાલએ ખેડૂતોની મૂંઝવણ દૂર કરતા સ્પષ્ટ કર્યું કે, પ્રચલિત જૈવિક ખેતીમાં ખર્ચ અને મહેનત વધુ છે, પરંતુ ઉત્પાદન ઓછું મળે છે. તેથી ખેડૂતો તેનાથી દૂર ભાગે છે. પરંતુ પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે. પ્રાકૃતિક ખેતી એ અબજો સૂક્ષ્મ જીવાણુઓથી થતી શૂન્ય ખર્ચની ખેતી છે. પ્રાકૃતિક કૃષિમાં ખેડૂતે બહારથી કોઈ મોંઘા ખાતર કે દવા ખરીદવાની જરૂર નથી. ઘરમાં માત્ર એક દેશી ગાય હોવી પૂરતી છે. રાજ્યપાલએ ઉમેર્યું કે, દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 થી 500 કરોડ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. જ્યારે ગૌમૂત્ર, છાણ, ગોળ, માટી અને બેસનમાંથી 'જીવામૃત' બને છે, ત્યારે તેમાં રહેલા બેક્ટેરિયા દર 20 મિનિટે બમણા થાય છે. 72 કલાકમાં તેમાં અબજો-ખરબો જીવાણુઓ તૈયાર થાય છે, જે જમીનના ખનીજોને છોડના ખોરાકમાં ફેરવવામાં મદદરૂપ થાય છે.
રાજ્યપાલએ રાસાયણિક ખેતીના દુષ્પરિણામો વર્ણવતા કહ્યું કે, ભારત દર વર્ષે વિદેશમાંથી કરોડો રૂપિયાનું યૂરિયા અને ડી.એ.પી. આયાત કરે છે. રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઈડના કારણે કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી બીમારીઓ વધી રહી છે. તેમણે એક અખબારી અહેવાલને ટાંકીને જણાવ્યું કે, 105 માતાઓના દૂધના પરીક્ષણમાં પણ ઝેરી રસાયણો જોવા મળ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે. રસાયણોના કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5% થી નીચે જતો રહ્યો છે, જેનાથી જમીન કઠણ બની ગઈ છે. તે વરસાદનું પાણી શોષી શકતી નથી, પરિણામે પૂર અને દુષ્કાળ જેવી આપત્તિઓ સર્જાય છે.
ગામડે-ગામડે જઈને તાલીમ આપતી કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને રાજ્યપાલએ અનુરોધ કર્યો કે, તેઓ પોતાના ખેતરને 'પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ' બનાવે. ખેડૂત જોઈને વધુ ઝડપથી શીખે છે. દરેક ખેડૂત પોતાની કુલ જમીનના ચોથા ભાગમાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી અપનાવી શરૂઆત કરે. રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન' ને સફળ બનાવવા દરેક ગામમાં ઓછામાં ઓછા 75 પ્રાકૃતિક ખેડૂતો તૈયાર કરવા અપીલ કરી હતી.આ તકે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંયુક્ત સચિવ નિતિન સાંગવાન, આત્મા પ્રોજેક્ટના નિયામક એસ. કે. જોશી, ગોપકાના નિયામક અનિલ પટેલ તથા બાગાયત નિયામક એચ. એમ. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
