બનાસકાંઠા, પાટણ, કચ્છમાં વરસાદ બાદ રાજ્ય સરકારની રાહત-બચાવ કામગીરી શરૂ
Live TV
-
બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના જે વિસ્તારમાં વધુ વરસાદ થવાની આગાહીકરવામાં આવી હતી, અને નાગરિકોને સાવચેતીના ભાગરૂપે SMSથી જાણ પણ કરવામાં આવી હતી
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં વરસેલા ભારે વરસાદની પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેના ભાગરૂપે અસરગ્રસ્ત જિલ્લાઓના ડિસ્ટ્રીક ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને તાત્કાલિક માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત SDRF અને NDRFની ટીમોને એડવાન્સમાં તૈયાર કરવામાં આવી હતી તેમજ મેન, મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટની પણ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાના જે વિસ્તારમાં વરસાદની આગાહી વધુ હતી, ત્યાં નાગરિકોને સાવચેતીના ભાગરૂપે SMSથી જાણ પણ કરવામાં આવી હતી, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC સાથે ટેલિફોનિક સંવાદ દ્વારા વરસાદના ડેટા, બચાવની જરૂરિયાત, SDRF, NDRFની તૈનાતી અને ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સતત માહિતી લઈને વહીવટી તંત્રને જરૂરી સુચનાઓ આપી હતી. મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં તમામ કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ ઉપરાંત મહેસુલ સચિવે પણ SEOCની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેકટર સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો. દુપરાંત બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે સંચાર વ્યવસ્થા ખોરવાઈ જતા ટેકનિકલ સ્ટાફ સાથે ૭ હેમ રેડિયો સેટઅપ થરાદ ખાતે મોકલવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી અસર બાદ રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે અસરગ્રસ્ત તાલુકાઓ જેવા કે, સુઈગામ, ભાભર, વાવ અને થરાદ ખાતેથી પોલીસ, વહીવટી તંત્ર, NDRF, SDRF અને હોમગાર્ડની સંયુક્ત ટીમો દ્વારા 1,678થી વધુ નાગરિકોનું સફળ રેસ્ક્યૂ અને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સ્થળાંતર કામગીરીના ભાગરૂપે વાવ તાલુકાના ભાટવર ગામે SDRFની ટીમ દ્વારા ૮થી૧૦ ફૂટ ઊંડા પાણીમાંથી 69 નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુઈગામ તાલુકાના ભરડવા, ભાટવરવાસ, તીર્થગામ સહિતના ગામોમાંથી પણ નાગરિકોનું રેસ્ક્યૂ કરાયું હતું, તેમ તેમણે જણાવ્યું હતું.
ખાદ્ય અને પાણી પુરવઠા વિશે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 3 લાખ ફૂડ પેકેટ વિતરણ, કુલ 3 લાખ પાણીની બોટલનું વિતરણ તેમજ થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં દર રોજ 7 હજારથી વધુ નાગરિકોને ભોજન આપવામાં આવે છે. વધુમાં, મંત્રીએ ઉમેર્યું કે, 3 ડી.વાય.એસ.પી, 8 પી.આઈ. અને 150 પોલીસ જવાનો નાગરિકોની સલામતી અંગે ફરજ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સ્થળાંતરિત નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનો, રહેવા, ખાવા, પીવાના પાણી અને તબીબી સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે, UGVCLની 86 ટીમો દ્વારા સતત કામગીરીના પરિણામે અસરગ્રસ્ત જિલ્લાના 297 ગામડાઓમાંથી 190 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, તેમજ બાકીના ગામડાઓમાં પણ પુનઃસ્થાપન માટે કામગીરી ચાલી રહી છે. તબીબી અને આરોગ્ય સેવાઓ વિશે મંત્રીએ જણાવ્યું કે, સુઈગામ C.H.C. ખાતે કલેક્ટરએ રૂબરૂ મુલાકાત કરી મહિલાઓ, બાળકો અને અસરગ્રસ્તો સાથે સંવાદ કરી આરોગ્ય સુવિધાની ખાતરી આપી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વહીવટી તંત્ર સાથે બેઠક કરી હતી તથા ટ્રેક્ટર દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને વિતરણ અને સેવા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી હતી.
પાટણ જિલ્લામાં વધુ વરસાદના પગલે રાહત અને બચાવની કામગીરી અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, SDRF અને ફાયર ટીમ દ્વારા સાંતલપુરના કલ્યાણપુરા ગામે 8 નાગરિકો, વૌવા ગામે 35 નાગરિકો તથા પર ગામે 15 નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વિશે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદના પગલે કચ્છ જિલ્લાના રાપર, ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિતના તાલુકાઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને રાપર તાલુકાના માનગઢ ગામના 20 નાગરિકોનું સ્થળાંતર, મેવાસા ડેમ પાણી ફરી વળતાં ગાગોદર નજીક ખેતરમાં ફસાયેલા 4 મજૂરોનું SDRF દ્વારા 8 કલાકના ઓપરેશન બાદ રેસ્ક્યૂ, રબારી સમાજના 20 વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં 1,105 મિલીમીટર વરસાદ પડ્યો છે, જેના કારણે વીજ નેટવર્કને ગંભીર અસર થઈ છે. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા 253 અસરગ્રસ્ત ગામોમાંથી 251 ગામોમાં વિજળી પુનઃસ્થાપિત થઈ ગઈ છે. આ ઉપરાંત 396 ફીડર્સ અસરગ્રસ્ત હતા, તેમાંથી 247 ફીડર્સ તેમજ 106 વીજથાંભલાઓને પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
