બપોરે બહાર નીકળતા પહેલા સાવધાન! આગામી 2 દિવસ કાળઝાળ ગરમી અને હીટવેવની ચેતવણી
Live TV
-
બપોરે બહાર નીકળતા પહેલા સાવધાન! આગામી 2 દિવસ કાળઝાળ ગરમી અને હીટવેવની ચેતવણી
એપ્રિલ મહિનાની મધ્યમાં જ ગુજરાતમાં સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે. રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. આજે રાજ્યના 10 મુખ્ય શહેરોમાં તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
તાપમાનના આંકડા: રાજકોટમાં સૌથી વધુ ગરમી
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જયારે વડોદરામાં 41.4, અમદાવાદમાં 41.0, ભુજમાં 40. 8 ડિગ્રી, ડીસા અને ગાંધીનગરમાં 40.2, જ્યારે ભાવનગરમાં 38.7 અને સુરતમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 'હીટવેવ'નું યલો એલર્ટ
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટવેવ (Heatwave) ની સ્થિતિને જોતા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. બપોરના સમયે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા સલાહ આપવામાં આવી છે.
માછીમારો માટે ચેતવણી: દરિયો ન ખેડવા સૂચના
ગરમીની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગે 14 અને 15 એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં પવનની ગતિ 45 થી 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે જોખમી સાબિત થઈ શકે છે.
આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું જોર હજુ પણ વધી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, તેથી નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
