બાળકોમાં સ્માર્ટફોન-સોશિયલ મીડિયાના પ્રત્યે લેવાશે કડક પગલાં, રાજ્ય સરકાર તૈયાર કરશે નિયમો
Live TV
-
શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ
થોડા દિવસ પહેલા સુરતમાં 8 માં ધોરણમાં ભણતી 14 વર્ષની દીકરી પાસેથી તેની માતાએ મોબાઇલ લઇ લીધો હતો. જેથી 14 વર્ષીય દીકરીએ આપઘાત કરી લીધો હતો. તે ઉપરાંત જે લોકોએ મોબાઇલને લઇ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટના સાંભળી તેઓ પણ દંગ રહી ગયા હતા. બાળકોમાં સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.
ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી
સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ
તેમણે જણાવ્યું હતું કે, બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે. જેમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલાં લેવામાં આવશે.
સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે તેવી વિનંતી કરી
બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે વાંચન – રમત ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે. તેમજ માતા-પિતાને બાળકો સામે તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે અને ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે તેવી વિનંતી કરી હતી.