બોઈલર તંત્રની સફળ કામગીરી, છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ જીવલેણ અકસ્માત નહીં
Live TV
-
બોઈલર તંત્રની સફળ કામગીરી, છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ જીવલેણ અકસ્માત નહીં
ગુજરાત, જે મેન્યુફેક્ચરિંગનું એક મોટું હબ છે, ત્યાં ઉદ્યોગોમાં બોઈલરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 'બોઈલર તંત્ર' દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. શ્રમ આયુક્તની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગે અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા તમામ સક્રિય બોઈલરોનું 100% નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. આ કડક નિરીક્ષણ અને દેખરેખના પરિણામે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં બોઈલર સંબંધિત એક પણ જીવલેણ અકસ્માત નોંધાયો નથી, જે એક મોટી સિદ્ધિ છે.
આંકડાઓથી સફળતાની વાત
ઉદ્યોગ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના નેતૃત્વ હેઠળ, 'બોઈલર તંત્ર' એ વર્ષ 2022-23 થી 2024-25 દરમિયાન કુલ 23,719 બોઈલર અને 675 ઇકોનોમાઇઝરને પ્રમાણિત કર્યા છે. આ સમયગાળા દરમિયાન, સરકારે ₹22 કરોડનું બજેટ ફાળવ્યું હતું, જ્યારે નિરીક્ષણ ફી દ્વારા ₹36 કરોડથી વધુની આવક થઈ છે, જે દર્શાવે છે કે આ વિભાગ માત્ર સલામતી જ નહીં, પણ આર્થિક રીતે પણ ફાયદાકારક સાબિત થયો છે.
સલામતી અને વિકાસનો સમન્વય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, 'બોઈલર તંત્ર' ઉદ્યોગોના ઉત્પાદનને અસર કર્યા વિના શ્રમિકો અને સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરી રહ્યું છે. આ વિભાગ બોઈલર અધિનિયમોનું અસરકારક અમલીકરણ કરીને કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે ઊર્જા બચત, પર્યાવરણ સંરક્ષણ, ઔદ્યોગિક શાંતિ, કુશળ માનવબળનો વિકાસ અને રાષ્ટ્રીય સંપત્તિના નુકસાનને અટકાવવા જેવી અનેક મહત્વની કામગીરીઓ પણ કરે છે.
બોઈલર તંત્રની યાદી અનુસાર, બોઈલર અધિનિયમ-2025 મુજબ, 25 લિટરથી વધુની ક્ષમતા અને 1 Kg/cm² થી વધુના પ્રેશરવાળા બોઈલર અથવા સ્ટીમ જનરેટરનો ઉપયોગ નોંધણી વગર કરી શકાશે નહીં. આ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરીને ઉદ્યોગોમાં સલામત વાતાવરણ જાળવવામાં આવી રહ્યું છે.
