ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી
Live TV
-
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લામાં આજે ઉત્સાહ અને લોકશાહી ભાવનાથી ભરપૂર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક વર્ગના નાગરિકોએ લોકશાહી પર્વમાં સક્રિય સહભાગીતા નોંધાવી હતી.
આ અવસરે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પોતાના પરિવારજનો અને સોસાયટીના રહીશો સાથે મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી. મંત્રીએ પોતાના નિવાસસ્થાનથી મતદાન મથક સુધી ઢોલ-નગારાના નાદ સાથે રેલી સ્વરૂપે પહોંચીને મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્યે આસપાસના નાગરિકોમાં પણ મતદાન માટે ઉત્સાહ વધાર્યો હતો.
જીતુભાઈ વાઘાણીએ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે નિયત મતદાન મથકે જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે પોતાની આંગળી પર લાગેલી શાહી ગર્વપૂર્વક દર્શાવી લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, “મતદાન કરવું એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે. લોકશાહીનું આ પર્વ આપણે સૌએ ઉત્સાહપૂર્વક ઉજવવું જોઈએ.” તેમણે ભાવનગરના નગરજનોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી તેમજ ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા યુવાનોને લોકશાહી પ્રક્રિયામાં જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા.
ભાવનગર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં નાગરિકો ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી મજબૂત બનાવી રહ્યા છે.
