ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેનના હસ્તે "નમો સખી સંગમ મેળા" નો પ્રારંભ
Live TV
-
૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ કરીને ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. ૯ થી ૧૨ માર્ચ સુધી યોજાનાર "નમો સખી સંગમ મેળા" નો પ્રારંભ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
ભાવનગરના ખાતે ચાર દિવસીય નમો સખી સંગમ મેળાનો શુભારંભ કરાવતાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે,દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની નારી દરેક ક્ષેત્રમાં આગળ વધીને આપણું ગૌરવ વધારી રહી છે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને સ્વરોજગાર મેળવવાની સાથે આત્મનિર્ભર બની રહી છે. મહિલા સશક્તિકરણની દિશામાં "નમો સખી સંગમ મેળો એક મજબૂત કદમ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,મહિલાઓને પારંપારિક ભૂમિકાઓથી આગળ વધવાના અવસર મળવા જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિચારમાંથી પ્રેરણા લઈને મહિલા દિવસ ઉપર માતૃશક્તિના સન્માન માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નમો સખી સંગમ મેળો એ નારીશક્તિની કુશળતા, સર્જકતા અને પરિશ્રમને વંદન કરવાનો અવસર છે. આપણી માતૃશક્તિની આકાંક્ષાઓને સક્ષમ (મજબૂત) પ્લેટફોર્મ આપવાનો પણ અવસર છે. આપણાં માટે ગર્વની વાત છે કે, અત્યાર સુધી લગભગ સવા કરોડ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે. અને ત્રીજી ટર્મમાં હજુ ૩ કરોડ લખપતિ દીદી બનાવવાનો પ્રધાનમંત્રીજીનો ટાર્ગેટ છે.
મંત્રીએ જણાવ્યું કે, આ સંગમ મેળો તા.૯ થી ૧૨ માર્ચ સુધી ચાલશે જેમાં ૧૦૦ થી વધુ સ્ટોલ્સ વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. આ નમો સખી સંગમ મેળા થકી ભાવનગર અને બોટાદની બહેનોને યોગ્ય પ્લેટફોર્મ પણ મળી રહેશે. આ મેળામાં મહિલા સશક્તિકરણને આવરી લેતાં વિવિધ વિષયો પર ચર્ચા કરાશે. મોટીવેશન સ્પીકરો દ્વારા મહિલાઓને માર્ગદર્શિત પણ કરાશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આજે સમાજમાં લખપતિ દીદી, નમો ડ્રોન દીદી, બૅંક સખી જેવી આત્મનિર્ભર નારીનું સન્માન કરવામાં આવ્યું છે.આ દરેક મહિલાઓને હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આ અવસરે મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષા ચલાવતી બહેનોની પણ સરાહના કરી હતી.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બહેનોમાં ઘણી કુશળતા અને આવડત હોય છે, પરંતુ તેમને જો સમયસર યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે સફળતાના શિખરો સર કરી છે. ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મૂર્મુ પણ એક મહિલા છે. જ્યારે દેશના પ્રથમ નાગરિક જ મહિલા હોય ત્યારે એ દેશની મહિલાઓ કેવી રીતે પાછળ રહી શકે? મહામહીમ રાષ્ટપતિ આદરણીય દ્રૌપદી મૂર્મુનું જીવન આપણાં સહુ માટે પ્રેરણાદાયી છે.
આજે “નમો સખી સંગમ મેળા"ના ઉદ્ઘાટન પ્રસંગે હું GLPCની સમગ્ર ટીમ અને ભાવનગર જિલ્લાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના સ્વ-સહાય જૂથની મહિલાઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી મળી રહે, મહિલાઓ દ્વારા ઉત્પાદિત પ્રોડકટનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે તા. ૯ માર્ચ થી ૧૨ માર્ચ ૨૦૨૫ દરમિયાન ભાવનગર ખાતે સ્વ સહાય જૂથની મહિલાઓ માટે "નમો સખી સંગમ મેળો" નું જવાહર મેદાન- ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે સ્વ સહાય જૂથના બહેનોની સાફલ્ય ગાથા (ડોક્યુમેન્ટરી), લખપતિ દીદી, નમો ડ્રોન દીદી બહેનોનું સન્માન, પ્રતિકરૂપે ૬ સ્વ સહાય જૂથોની બહેનોને ૮૮ લાખ રૂ.ના ચેક એનાયત કરવાની સાથે વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ, ભાવનગર અને બોટાદ જિલ્લાની ૪૦ સખીઓનું સિલ્ડ અને કીટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આવનાર ૭૦ બહેનોની પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા સાફલ્યગાથા રજૂ કરવામાં આવી હતી.
આ તકે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણી, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય મહંત શંભુનાથજી ટુંડીયા, જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. સોલંકી, પોલીસ અધીક્ષક હર્ષદ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહીલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.