મનાવતા મહેકી: કલેક્ટર ગાર્ગી જૈનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ
Live TV
-
કલેક્ટર ગાર્ગી જૈને માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને પોતાની સરકારી ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી અપાવી તાત્કાલિક સારવાર કરાવી...
છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈને સંવેદનશીલતા, માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય નાગરિકોની સુખાકારીને સર્વોપરી માનતા કલેક્ટર ગાર્ગી જૈને માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સમયસર સારવાર મળી રહે તે માટે પ્રશંસનીય કામગીરી કરી હતી. મળતી માહિતી મુજબ, આજે સવારે કલેક્ટર ગાર્ગી જૈન જાગનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પોતાની કચેરી તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં નીતાબેન રાઠવા, રહેવાસી પાદરવટ ગામ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તેમણે તાત્કાલિક પોતાનું વાહન અટકાવ્યું હતું. કલેક્ટરે સ્થળ પર પહોંચી મહિલાની સ્થિતિ અંગે પૂછપરછ કરી અને જરૂરી માહિતી મેળવી હતી.
કલેકટરની સમયસૂચકતા
પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાને માથાના તેમજ હાથના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જણાતા, કલેક્ટરે સમયનો વિલંબ કર્યા વિના ઇજાગ્રસ્ત મહિલાને પોતાની સરકારી ગાડીમાં બેસાડી સીધા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી, જેથી મહિલાને ઝડપથી અને યોગ્ય સારવાર મળી શકે.
આ સમગ્ર ઘટનાએ કલેક્ટરના માનવીય અભિગમ અને લોકો પ્રત્યેની સંવેદનશીલતાને ઉજાગર કરી છે. જાહેર જીવનમાં કાર્યરત અધિકારીઓ જ્યારે લોકોની સમસ્યાઓને પોતાની સમસ્યા સમજી તાત્કાલિક મદદ માટે આગળ આવે છે ત્યારે લોકોનો વહીવટીતંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, જાહેર જીવનમાં સંવેદના અને સેવા ભાવના એ જ સાચા નેતૃત્વની ઓળખ છે.
