મુખ્યમંત્રીએ દ્વારકા જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજીને ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો
Live TV
-
કુદરતી આફતો સામે નાગરિકોની સલામતી માટે રાજ્ય પ્રશાસન સુસજ્જ: મુખ્યમંત્રી
ભારે વરસાદ સહિતની કુદરતી આપદામાં ઝીરો કેઝ્યુલીટીનો સરકારનો અભિગમ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો
31 ઇંચની કુલ સરેરાશ સામે 50 ઇંચ વરસાદ 5-6 દિવસમાં પડી ગયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીમાં ફસાયેલા 23 લોકોનું NDRFએ કર્યું રેસ્ક્યૂમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દ્વારકા અને જામનગર જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્રને ભારે વરસાદમાં લોકોની સલામતી માટે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં બચાવ અને રાહત સહિતની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાન માલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રશાસન સુસજ્જ છે.
કલેકટર જી.ટી.પંડ્યાએ સમગ્ર સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ 769 મીમી છે તેની સામે છેલ્લા 5-6 દિવસમાં 980 મીમી સરેરાશ વરસાદ એટલે કે 31 ઇંચની સરેરાશ સામે 50 ઇંચ વરસાદ વરસ્યો છે.
સતત વરસાદની સ્થિતિમાં આગોતરા આયોજન અને ત્વરિત પગલાંને કારણે પાણીમાં ફસાયેલા 23 જેટલા લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. અસરગ્રસ્તોના શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જિલ્લામાં માર્ગ અને પરિવહન સેવા જ્યાં પ્રભાવિત થઈ છે ત્યાં અગ્રતાના ધોરણે મરામત કામગીરી કરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી હતી.
