મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન કેન્દ્રો તથા શ્રમ 'સન્માન' પોર્ટલનું લોકાર્પણ
Live TV
-
શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. 'જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે.' તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ 22 કડિયા નાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થયું છે. ત્યારબાદ તબક્કાવાર સમગ્ર રાજ્યમાં આવતા 2 મહિનામાં આ યોજના અંતર્ગત ભોજન કેન્દ્રો ખોલવામાં આવશે, આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર કૌશલ્ય વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, અન્ન, આવરણ અને આવાસ એ કોઈપણ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે રાજ્યના બાંધકામ શ્રમિકો માટે 'અન્નપૂર્ણા યોજના' શરૂ કરાઇ છે. નોંધાયેલા શ્રમિકોને તો આ લાભ મળવાનો જ છે પરંતુ જે શ્રમિકોની નોંધણી નથી થઈ તેમના માટે 'સન્માન' પોર્ટલ શરૂ કરાયું છે. જેનાથી ન નોંધાયેલા શ્રમિકોને પણ આવરી લેવાશે. શ્રમિકોને સાત્વિક- પૌષ્ટિક ભોજન આપવાના ધ્યેય સાથે આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર 5 રૂ.માં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, શ્રમિક અન્નપૂર્ણા યોજના જે કોરોનાકાળમાં બંધ કરાયા બાદ આજથી પુનઃ શરૂ કરાઇ છે. અગાઉ 119 કડીયાનાકાઓ પરથી ભોજનનું વિતરણ કરાવવામાં આવતું હતું. જ્યારે હવે 140 કડીયાનાકાઓ પરથી તેનું વિતરણ થશે. 50થી વધુ શ્રમિકો કામ કરતા હશે ત્યાં સ્થળ પર ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
શ્રમ 'સન્માન' પોર્ટલ વિશે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'તમામ યોજનાના લાભો ડિજિટલ માધ્યમથી એક જ પોર્ટલ પર મળી શકે તે માટે 'સન્માન' પોર્ટલ કાર્યરત કરાયું છે. તાજેતરમાં જ દેશમાં 5જી સેવાનો પ્રારંભ કરાવાયો છે જેમાં શ્રમિકોને પણ આવરી લેવાનો અભિગમ છે. 'સન્માન' પોર્ટલથી હવે કોઈપણ શ્રમિકને કચેરીમાં જવું નહીં પડે. ઘરેબેઠા જ અરજીથી લઈ મંજૂરી સુધીની તમામ પ્રક્રિયા સરળ બનાવાઈ છે. સમારોહ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને ભોજનનું વિતરણ પણ કર્યું. સાથોસાથ મહાનુભાવોના હસ્તે શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસની સહાય, વીમાની સહાય, લગ્ન સહાય વગેરેના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 1200 જેટલા શ્રમિકોને પ્રતિક સ્વરૂપે ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ બાંધકામના શ્રમયોગીઓ માટે આરોગ્ય રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષા ને લગતી કુલ 20 યોજનાઓ કાર્યરત છે ત્યારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ સંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કુલ 14 યોજનાઓ કાર્યરત છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા એ નિર્માણ હેઠળ નોંધાયેલા 8,54,000 થી વધુ શ્રમિકોને તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલા 24.5 લાખથી વધુ એમ કુલ 33.4 લાખથી વધુ શ્રમિકોને યોજનાઓનો લાભ મળવા પાત્ર થશે બંને બોર્ડ દ્વારા વર્તમાનમાં પણ યોજના કે લાભોનું વિતરણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફત કરવામાં આવે છે. હવે સમગ્ર અરજી પ્રક્રિયા શ્રમ સન્માન પોર્ટલ મારફત ઓનલાઈન થવાથી ઝડપી બનશે અને પારદર્શિતામાં વધારો થશે.
આજના કાર્યક્રમમાં સાંસદ દિનેશ અનાવાડિયા, ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ, મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, રોજગાર અને તાલીમ બોર્ડના ડિરેકટર લલિત નારાયણસિંગ સાંડું, અમદાવાદ મનપાની વિવિધ સમિતિઓના ચેરમેન, કાઉન્સિલર અને યોજનાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.