મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને 'શતાબ્દી શિક્ષા મહોત્સવ'ની ભવ્ય ઉજવણી
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવન અને 15 સ્માર્ટ અનુપમ શાળાઓનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 'શતાબ્દી શિક્ષા મહોત્સવ' અંતર્ગત નવનિર્મિત સ્કૂલ બોર્ડ ભવન તથા સ્માર્ટ શાળાઓના લોકાર્પણ અને શ્રેષ્ઠ શાળાઓ તથા શિક્ષકોના એવોર્ડ વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. સ્કૂલ બોર્ડના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાયેલા 'શતાબ્દી શિક્ષા મહોત્સવ' કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરંગપુરા ખાતે રૂ.10.61 કરોડના ખર્ચે નવનિર્મિત 'સ્કૂલ બોર્ડ ભવન'નું લોકાર્પણ કર્યું હતું. ભવનની મુલાકાત દરમિયાન તેમણે 'સ્પાર્ક પ્રોજેક્ટ' હેઠળ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કૃતિઓ નિહાળી હતી. મુખ્યમંત્રીએ બાળકોની વિવિધ કલા પ્રસ્તુતિઓને બિરદાવી હતી તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વરદ્હસ્તે રૂ.16.61 કરોડના ખર્ચે તૈયાર થયેલી ૧૫ સ્માર્ટ અનુપમ શાળાઓનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સન્માનિત કરવામાં આવનાર 100 શ્રેષ્ઠ શાળાઓ અને 100 શિક્ષકો પૈકી પ્રતિકાત્મક રીતે 6 શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓને ચેક અને એવોર્ડ તથા 6 શ્રેષ્ઠ શિક્ષકોને ચેક, શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શતાબ્દી શિક્ષા મહોત્સવ'માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ૧૦૦ વર્ષ પહેલાં જે નૈતિક મૂલ્યો અને આત્મનિર્ભરતાના પાયા પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્થાપના કરી હતી, તે આજે 453 શાળાઓ સાથે વટવૃક્ષ બની છે. શિક્ષણથી રાષ્ટ્રનિર્માણના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી સાકાર કરી રહી છે.
અમદાવાદ સ્કૂલ બોર્ડ સાથે વાઇસ ચેરમેન તરીકેના પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણા સમર્પિત શિક્ષકો જ્ઞાન પીરસવાની સાથે-સાથે વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચીને તેમની વ્યક્તિગત કાળજી લે છે એ ખરેખર બિરદાવવા લાયક છે. શિક્ષકોની આ જ નિષ્ઠાનું પરિણામ છે કે આજે સરકારી શાળાઓ વિશેની જૂની માન્યતાઓ બદલાઈ છે અને ખાનગી શાળાઓ છોડીને 56 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું છે અને ડ્રોપ ડેટ રેટ શૂન્યની નજીક લઈ જવામાં આપણને સફળતા મળી છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કન્યાઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય સ્વરૂપે પ્રોત્સાહન પૂરું પાડતી નમો લક્ષ્મી યોજના તથા વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના સહિતની મહત્વની યોજનાઓ અને રાજ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઝડપી અને યોગ્ય અમલીકરણનો પણ આ તકે ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર આપી રહી છે. કેન્દ્રીય બજેટમાં શિક્ષણ મંત્રાલય માટે અગાઉ કરતા 8.27% ના વધારા સાથે 1.39 લાખ કરોડની જોગવાઈ અને અટલ ટિંકરિંગ લેબ્સ માટે 3200 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેથી બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યવહારિક અનુભવ મેળવી શકે. હવેનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ફ્યુચરિસ્ટિક શિક્ષણનો છે. પ્રધાનમંત્રીએ આ સમયને એસ્પિરેશનલ ઈન્ડિયા તરીકે ઓળખાવ્યો છે અને આ માટે બજેટમાં પણ અનુરૂપ જોગવાઈઓ કરી છે. 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે જ્ઞાન, સંસ્કાર અને ટેકનોલોજીના સમન્વય સાથે આગળ વધવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.
નવરંગપુરા ખાતે અંદાજે રૂ.10.61 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત સ્કૂલ બોર્ડ ભવનની વિશેષતા એ છે કે હવે શિક્ષણ સમિતિના તમામ 18 વિભાગો એક જ બિલ્ડિંગમાં કાર્યરત થશે, જેનાથી વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. છેલ્લા બે વર્ષથી પાલડી ખાતે કાર્યરત કચેરી હવે આધુનિક સુવિધાઓથી સજ્જ ચાર માળના નવા ભવનમાં કાર્યરત થતા પેન્શનરો અને વાલીઓને વહીવટી કામગીરીમાં મોટી રાહત મળશે.
