મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બિહારના ભાગલપુરથી વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના 51.41 લાખથી વધુ કિસાન પરિવારોને 1148 કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિના ૧૯માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી ચૂકવવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યભરના 2.50 લાખથી વધુ ખેડૂતોએ પીએમના સંબોધનનું અને રાજ્યવ્યાપી સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
પ્રધાનમંત્રીએ દેશના ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને સહાયરૂપ થવાના કિસાન હિતકારી અભિગમથી 100 ટકા કેન્દ્ર સહાયિત આ કિસાન સન્માન નિધિ યોજના 2019થી જાહેર કરેલી છે.
આ યોજના અંતર્ગત કિસાન પરિવારોને પ્રતિવર્ષ કુલ ૬ હજાર રૂપિયાની સહાય ડી.બી.ટી.થી ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સમગ્રતયા 188113.71 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
કેન્દ્ર સરકારે 2024-25 માટે તુવેરનો ટેકાનો ભાવ 7550 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. તદ્દઅનુસાર રાજ્યમાં 200 જેટલા ખરીદ કેન્દ્રો પરથી 2.6 લાખ મેટ્રિક ટન તુવેરના જથ્થાની ખરીદી કરવાનું આયોજન છે. આ હેતુસર અત્યાર સુધીમાં 1 લાખ 23 હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી પણ કરાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સરકાર બીજથી બજાર સુધી ખેડૂતોની સાથે ઊભી રહી છે. નાના ખેડૂતો માટે કિસાનહિત અભિગમથી શરૂ થયેલી કિસાન સન્માન નિધિ યોજના તેમના માટે આશીર્વાદરૂપ બની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પીએમએ ચીંધેલા માર્ગે ચાલીને રાજ્ય સરકારે પણ સમગ્ર કૃષિ ક્ષેત્રને સમયાનુકૂળ બનાવવા અનેક પહેલ કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ આ વર્ષના બજેટમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 22,498 કરોડ રૂપિયાની જોગવાઈઓ સુનિશ્ચિત કરી છે તેમ પણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા પણ કેન્દ્ર સરકારની પેટર્ન મુજબ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કિસાન સન્માન સમારોહના પ્રારંભે અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ- કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્ય મંત્રી બચુ ખાબડ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૃષિ એવોર્ડ વિજેતા ધરતીપુત્રોનું સન્માન ગૌરવ પણ કર્યું હતું.