મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવતો સંકલ્પ પ્રસ્તાવ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાનસભામાં પ્રસ્તાવ મુકતા જણાવ્યું હતું કે, સદીઓથી લાખો સંસ્કૃતિ ભક્તોએ બલિદાનો આપ્યા તેના પરિણામે આપણે બંધારણીય માર્ગે અયોધ્યામાં રામમંદિરનું પુનર્નિમાણ કરી શક્યા છીએ તે એક સુદીર્ઘ ચાલેલા જનજાગૃતિના મહાઅભિયાનનું પરિણામ છે.
મુખ્યમંત્રીએ ગૃહ સમક્ષ પ્રજાપાલક રાજાધિરાજ રામની પૂજા-અર્ચના કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે તેના માટે પ્રજાના પ્રતિનિધિઓ તરીકે હર્ષ અને ગૌરવની લાગણી અભિવ્યક્ત કરવાની ઘડી ગણાવી હતી. ગુજરાત વિધાનસભા આદરણીય નરેન્દ્ર મોદીને આ સહસ્રાબ્દીઓ સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ અભિનંદન પાઠવે છે.
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતો આ સંકલ્પ રજૂ કરતા કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય આદરણીય પ્રધાનમંત્રીએ અપાવ્યું છે.
તેમણે ભગવાન રામચંદ્રજી અને અયોધ્યા નગરીની પુરાતન ભવ્યતા અને ઇતિહાસનો અંદાજ વર્તમાન અને આવનારી પેઢીને આવે તે માટે ગૃહમાં ઐતિહાસિક અયોધ્યાનગરીના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે તેમણે કહ્યું હતું કે, ઇક્ષ્વાકુ વંશના 65માં વંશજ પ્રભુ શ્રીરામના જીવનની કથા ભારતભૂમિના પ્રત્યેક ઘરમાં જાણીતી છે. રામચંદ્રજીની આ અયોધ્યા નગરી મૂળ રૂપે મંદિરોની નગરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રામ લલ્લાના ભવ્ય મંદિર ઉપરાંત પ્રધાનમંત્રીએ દેશના અન્ય યાત્રાધામોના પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટની એક નવી દિશા આપી છે.
મુખ્યમંત્રીએ રામ મંદિરને આપણી રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક ગણાવતા કહ્યું હતું કે, રામ મંદિરના નિર્માણની આ પ્રક્રિયા નરને નારાયણ સાથે જોડવાનો, લોકોને આસ્થા સાથે જોડવાનો, વર્તમાનને અતિત સાથે જોડવાનો અને સ્વયંમને સંસ્કાર સાથે જોડવાનો પ્રયાસ છે.
