મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાકીય માહિતીની રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતેથી જાહેરાત કરતાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને 891 જેટલી થઈ હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતની અસ્મિતા સમાન સિંહની વસ્તી ગણતરી અને વન્યજીવોના સંરક્ષણની પ્રતિબદ્ધતા દર્શાવતી વન અને પર્યાવરણ વિભાગની વિશેષ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.મુખ્યમંત્રીએ આ અવસરે પોતાના સંબોધનમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે કરવામાં આવેલ પ્રયાસોની રૂપરેખા આપી ‘પ્રોજેક્ટ લાયન @ 2047’ને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે 1995થી અત્યાર સુધી થયેલ સિંહોની વસ્તી ગણતરીની આંકડાકીય માહિતી આપવા સાથે રાજ્ય સરકારના સાતત્યપૂર્ણ અભિગમને પરિણામે સિંહોની સંખ્યામાં થયેલ સતત વૃદ્ધિ બદલ રાજ્યની વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જનભાગીદારી થકી સિંહોના સંરક્ષણ અને જતન માટે સહિયારા પ્રયાસો માટેની નેમ વ્યક્ત કરી હતી.