મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ સચિવો સાથે ગાંધીનગરમાં ફાયનાન્સ કમિશનની બેઠક સંપન્ન
Live TV
-
16મું ફાયનાન્સ કમિશન તારીખ 1 એપ્રિલ 2026થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળાને આવરી લેતો અહેવાલ તારીખ 31 ઓક્ટોબર 2025ના ઉપલબ્ધ કરાવવાનું છે. આ સંદર્ભમાં અહેવાલ આખરી કરતાં પહેલાં રાજ્યોની મુલાકાત લઈને સંબંધિત રાજ્યો સાથે વિસ્તૃત ચર્ચાઓ હાથ ધરવા 16મું ફાયનાન્સ કમિશન ગુજરાતની મુલાકાતે આવેલું છે.
આયોગના અધ્યક્ષ ડો. અરવિંદ પનગઢિયા તથા સભ્યોએ ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં મંત્રી કનુ દેસાઈ, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી હતી.મુખ્યમંત્રીએ આ માટેના મહત્વાકાંક્ષી લક્ષ્યોને સિદ્ધ કરવા કેન્દ્ર સરકારના ઉચિત સંસાધન અને સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
ફાયનાન્સ કમિશને આ હેતુસર એફિશિયન્સી અને આઉટકમ્સ દર્શાવતા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર પર વધુ ધ્યાન આપવું જોઈએ એવો સુઝાવ તેમણે કમિશન સમક્ષ રજૂ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ પહેલુ પ્રત્યે ફાયનાન્સ કમિશનનું ધ્યાન દોરતા કહ્યું કે ગુજરાતમાં જે વિશિષ્ટ પરિસ્થિતિ છે તેને પણ આયોગે ફંડિંગ ફાળવણીમાં ધ્યાને લેવી જરૂરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં એક તરફ શહેરીકરણ તેજીપૂર્વક વધી રહ્યું છે તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં વસતા આદિજાતિ સમુદાયોની પણ પોતાની અલગ અલગ જરૂરિયાતો અને આવશ્યકતાઓ છે.
ફાયનાન્સ કમિશનના યોગ્ય સહયોગ અને સમર્થનથી જ આવી આવશ્યકતાઓ પર ધ્યાન આપીને દેશના વિકાસમાં ગુજરાત પ્રભાવી યોગદાન આપી શકશે એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
ફાયનાન્સ કમિશન દ્વારા ગુજરાતને મળનારા લાભ આ વાસ્તવિકતાઓ કેન્દ્રમાં રાખીને મળે તેમ જ રાજ્યની મહત્વાકાંક્ષા અને આવશ્યકતાસાથે તાલમેલ સાધી તેને પૂરાં કરી શકે તેવા હોય એવી ભારપૂર્વક રજૂઆત મુખ્યમંત્રીએ કરી હતી.
મુખ્યમંત્રીએ રાષ્ટ્ર અને રાજ્યોના વિકાસમાં ફાયનાન્સ કમિશનના બહુમૂલ્ય યોગદાનની સરાહના કરી હતી. કો-ઓપરેટિવ ફેડરલિઝમને સુદ્રઢ કરવામાં ફાયનાન્સ કમિશનની ભૂમિકા આધારશિલારૂપ ગણાવી હતી. મુખ્યમંત્રીએ ફાયનાન્સ કમિશનને પોતાની ભલામણોમાં ગુજરાત સહિત સારી પ્રગતિ કરી રહેલા રાજ્યોને નાણાંકીય રીતે મજબૂત બનાવવા માટે સહયોગ અને માર્ગદર્શન આપતા રહેવાનો ખાસ અનુગ્રહ કર્યો હતો.
16માં ફાયનાન્સ કમિશનના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢિયાએ ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં જ્યારે સમગ્ર દેશનો રીયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 6 ટકા જેટલો રહ્યો છે તેની સામે ગુજરાતનો રીયલ જીડીપી ગ્રોથ રેટ એવરેજ 8.5 ટકાનો છે.
ડૉ. પનગઢિયાએ ગુજરાતની મેન્યુફેક્ચરિંગ સ્ટેટ તરીકે વિકાસની સ્ટ્રેટેજીને યોગ્ય ગણાવતા ઉમેર્યુ કે, ગુજરાત ભારતનું પ્રથમ દક્ષિણ કોરિયા, તાઇવાન બનવા માટે તૈયાર થઈ રહ્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની જે નિંવ રાખવામાં આવી છે તે આજે સુદ્રઢ વિકાસ ઈમારત બની ગઈ છે. ખાસ કરીને કોવિડના કપરા સમયમાં પણ ગુજરાતે પોતાની વિકાસયાત્રા સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખી તેની પણ ડૉ. પનગઢિયાએ સરાહના કરી હતી.
તેમણે ગુજરાત સરકારે કરેલા પ્રેઝન્ટેશનમાં સુરત ઈકોનોમિક રિજીયન મોડેલ તથા ડિસ્કોમની પણ પ્રસંશા કરી અન્યો માટે પથદર્શક ગણાવ્યા હતા.
