મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ: 40 સંવેદનશીલ મતદાન મથકો પર કડક બંદોબસ્ત
Live TV
-
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ: 40 સંવેદનશીલ મતદાન મથકો પર કડક બંદોબસ્ત
મોરબી જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લાના કુલ 40 સ્થળોએ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 27 જગ્યાએ સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીઓ છે, જ્યારે 5 ગામમાં સરપંચની અને 4 ગામમાં વોર્ડની ચૂંટણીઓ યોજાઈ રહી છે.
ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ અને સુદ્રઢ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 79 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 40 જેટલા મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ સંવેદનશીલ મથકો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ બનાવવા માટે 29 જેટલા રિટર્નિંગ ઓફિસર (RO) અને 29 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 15 જેટલા ઝોનલ અધિકારીઓ પણ કાર્યરત છે. પોલીસ અને SRP સહિતનો સમગ્ર વહીવટી તંત્ર "સ્ટેન્ડ ટુ પોઝિશન" માં છે અને દરેક બે કલાકે આંકડાકીય માહિતી સહિત આનુસંગિક બાબતો પર સતત બાજ નજર રાખી રહ્યું છે.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ આ પ્રસંગે જાહેર જનતાને અપીલ કરી છે કે, "વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવે." કલેક્ટરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે સઘન અને ચુસ્ત બંદોબસ્તની ખાતરી આપી છે.
