મોરબી: વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર મળી જોવા
Live TV
-
મોરબી: વૈશ્વિક સ્તરે ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની ગંભીર અસર હવે મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે.
ઔદ્યોગિક ગેસના શોર્ટ સપ્લાય અને અનિશ્ચિતતાને કારણે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા તમામ એકમોને સામૂહિક રીતે શટડાઉન કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાની અધ્યક્ષતામાં આજે સિરામિક કોન્ફરન્સ હોલ ખાતે તમામ સભ્યોની એક વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સાંપ્રત પરિસ્થિતિ અને ઇંધણ ગેસના પુરવઠા બાબતે ગહન પરામર્શ કરવામાં આવ્યો હતો. યુદ્ધના કારણે ગેસ પુરવઠો ખોરવાતા અને ખર્ચમાં વધારો થતા, એસોસિએશનના નેજા હેઠળ તમામ એકમોએ સંમતિ સાધીને ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર ગણાતા મોરબી માટે આ પરિસ્થિતિ ચિંતાજનક છે.કારખાના બંધ થવાથી હજારો શ્રમિકોની રોજીરોટી પર અસર પડશે.ટાઇલ્સના ઉત્પાદનથી લઈને તેના પરિવહન અને એક્સપોર્ટ (નિકાસ) સુધીના તમામ વ્યવહારો થંભી જશે.રો-મટિરિયલ અને પેકેજિંગ જેવા આનુષંગિક એકમોને પણ આ આર્થિક ફટકો સહન કરવો પડશે.એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગના લાંબા ગાળાના હિત અને અનિશ્ચિત ગેસ સપ્લાયને ધ્યાનમાં રાખીને આ મુશ્કેલ પણ અનિવાર્ય નિર્ણય લેવામાં આવ્યો છે.
