રક્ષાબંધને બહેને નિભાવી રક્ષાની પરંપરા, અંગદાનથી 4 દર્દીઓને મળ્યું જીવનદાન
Live TV
-
રક્ષાબંધનના પવિત્ર પર્વે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. બ્રેઈન હેમરેજ બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલી 41 વર્ષીય મહિલાના પરિવારે દુઃખની ઘડીમાં પણ ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ અંગદાનથી મળેલા એક હૃદય, એક લીવર અને બે કિડની દ્વારા ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, મહિલાને ગંભીર બ્રેઈન હેમરેજ બાદ સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવી હતી. સઘન સારવાર છતાં 27 ઓગસ્ટના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અંગદાન ટીમના ડૉ. નિમેશ દેસાઈએ પરિવારજનોને અંગદાન અંગે સમજ આપતાં પરિવારે સંમતિ આપી હતી.દાનમાં મળેલું હૃદય યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપિત કરવામાં આવશે, જ્યારે લીવર અને બંને કિડની IKDRC હોસ્પિટલના દર્દીઓમાં પ્રત્યારોપિત કરવામાં આવશે.ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અંગદાન માત્ર અંગોનું દાન નથી, પરંતુ કોઈના નિરાશ જીવનમાં આશા અને ખુશીઓ લાવવાનું શ્રેષ્ઠ મહાદાન છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 252 અંગદાતાઓ પાસેથી 835 અંગો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત 200 ચક્ષુ અને 48 ચામડી સહિત 248 પેશીઓનું દાન મળ્યું છે. આમ, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 1,083અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે.
