રાજયના વિવિધ સ્થળો પર તેજ બન્યો ચૂંટણી પ્રચાર, વિવિધ પક્ષના ઉમેદવારો પ્રચારમાં સક્રિય
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર લાલુ પટેલે પ્રચારનું કાર્ય શરૂ કર્યું છે. તેઓ દરરોજ દમણના અલગ અલગ વિસ્તારમાં નાગિરકો સાથે મુલાકાત કરીને ભાજપના વિકાસ કાર્યો અંગે જણાવીને ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. તો જે યુવાનો પ્રથમ વાર વોટ આપવાના છે તેમને ફૂલ આપીને લાલુ પટેલે પ્રોત્સાહિત કર્યા હતા.
બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે દાંતા તાલુકામાં દુધ શીત કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. અને મિલ્ક ડેની ઉજવણીમાં સામેલ થયા હતા. સાથે જ તેમણે દૂધ મંડળીઓની મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમજ સરકારની યોજનાઓના વિવિધ લાભ ગણાવીને રેખાબેને જંગી મતોથી જીતાડવા અપીલ પણ કરી હતી.
અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને પગલે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર તેજ કર્યો છે... સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ અરવલ્લી જિલ્લાના અલગ-અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં ધનસુરા, મોડાસા, દાવલી અને મોડીરાત્રે ટીંટોઇ ગામે લોકસંપર્ક કર્યો હતો.
અમરેલીમાં સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અંતર્ગત મતદાન જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી શહેરની શાળાના શિક્ષકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા, ખર્ચ તેમજ TIP નોડલ અધિકારીઅને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદાન જાગૃત્તિનો સંદેશાનો પ્રસાર થાય અને ચૂંટણી ફરજ અર્થે રોકાયેલા શિક્ષકો સહિત સૌનો ઉત્સાહ વધે તે હેતુથી આજે આ રેલી યોજવામાં આવી છે.