રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવસારી કૃષિ યુનિવર્સિટીના 19માં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપી
Live TV
-
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 19મો પદવીદાન સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમની સાથે ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
રાજયપાલે નવસારી કૃષિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામના પાઠવી કૃષિ વૈજ્ઞાનિકોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન સંશોધનો કરી કૃષિ સમૃદ્વિનો નવો માર્ગ કંડારે.
રાજયપાલે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને મૂલવી પરિવર્તન માટે સજ્જ થવું પડશે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યાં છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદુષિત થઇ રહયાં છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. કૃષિ ખર્ચ સતત વધી રહયો છે અને ઉત્પાદન ઘટી રહયું છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે.
રાજયપાલે આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી, યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે 36 તેજસ્વીં વિદ્યાર્થીઓને કુલ ૫૨ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજના પ્રોફેસરોને બેસ્ટ ટીચર તરીકેના પાંચ ઍવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે રાજયની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ વિવિધ ફેકલ્ટીઓના વડાઓ, પ્રાધ્યાપકઓ, વૈજ્ઞાનિકો, સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા.