રાજયમાં ધોરણ 10ની પરીક્ષામાં 9 લાખથી વધુ અને 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહમાં 6.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Live TV
-
ગુજરાતમાં ધોરણ10 અને 12ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આગામી 11 થી 22 માર્ચ દરમિયાન ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે જેમાં રાજ્યભરમાં કુલ 9,17,687 વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત, 31 માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં 1,37,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં આગામી 11 માર્ચથી 31 માર્ચ સુધીમાં કુલ 16,76,739 વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપીને પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરશે તેમ, લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, 11 થી 22 માર્ચ 2024 દરમિયાન રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 981 કેન્દ્રો પર ધોરણ 10 ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ ઉપરાંત, રાજ્યના 34 ઝોનના 34 કેન્દ્રો પર 31 માર્ચના રોજ સવારે 10 થી 4 દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.
પરીક્ષા અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી ખાસ પ્રકારની વ્યવસ્થા-પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરે નહિ અને પ્રમાણિકતાથી પરીક્ષા આપે તે માટે તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.-PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળથી પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવશે.
-પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ
-સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સજાગ રહેવું અને અફવાઓ ધ્યાને ન લેવા જણાવવામાં આવ્યું છે.
-પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે.પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા 2,00,000/- રૂ.સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે તેમ, મંત્રીએ વિગતો આપતા ઉમેર્યું હતું.
