રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 72 ટકાથી વધુ
Live TV
-
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ - પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. 5 માર્ચ 2026 ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 6.46 લાખ મિલિયન ક્યુબિક ફીટ-MCFT એટલે કે, કુલ પાણીનો જથ્થો 72 ટકાથી વધુ છે. આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં 4.15 ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં 1.63 ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જેથી રાજ્યમાં આગામી ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે તેમ,જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ 74 ટકાથી વધુ એટલે કે 2.47 લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 2.34લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 65,179 MCFT, ઉત્તર ગુજરાતમાં 41,842 MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. સૌરાષ્ટ્રમાં 53,621અને કચ્છ વિસ્તારમાં 4,392 MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ 6,46,556 MCFT એટલે કે 72.49 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.
જ્યારે ગત વર્ષની સરખામણીએ તા. 5 માર્ચ, 2025 સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં 27,847 MCFT, મધ્ય ગુજરાતમાં 57,882 MCFT, દક્ષિણ ગુજરાતમાં 2,24,182 MCFT, સૌરાષ્ટ્રમાં 52,264 MCFT અને કચ્છ વિસ્તારમાં 5,332 MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં 2,41,952 MCFT એટેલ કે 72.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ 6,09,459 MCFT એટલે કે 68.34ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ યાદીમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 141 જળાશયો, ઉત્તર ગુજરાતમાં 15, મધ્ય ગુજરાતમાં 17, દક્ષિણ ગુજરાતમાં 13, કચ્છમાં 20 તેમજ સરદાર સરોવર સહિત ગુજરાતમાં કુલ 207 જળાશયો-ડેમ આવેલા છે.
